હેડલાઈન :
- ભાગેડુ વ્યાપારી અને PNB બેંકના કથિત કૌભાંડી મેહુલ ચોક્સીની બેલ્જિયમથી ધરપકડ
- મેહુલ ચોક્સી પર બેંક સાથે રૂપિયા 13,850 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ
- ભારતીય તપાસ એજન્સીઓ બે મહિનાથી બેલ્જિયમની એજન્સીઓના સતત સંપર્કમાં હતી
- મેહુલ ચોક્સી અને નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં કથિત ભૂમિકાનો આરોપ
- ભારતીય એજન્સીઓએ મેહુલ ચોક્સીને બેલ્જિયમમાં શોધી કાઢ્યો CBIની વિનંતી પર ધરપકડ
- મુંબઈની કોર્ટે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યુ હતુ તો વર્ષ 2021માં એન્ટિગુઆથી ભાગી ગયો હતો
બે અબજ ડોલરના પંજાબ નેશનલ બેંક PNB કૌભાંડના બે મુખ્ય આરોપીઓમાંથી એક અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે.CBI સૂત્રોના હવાલાથી સામે આવેલ વિગતો અનુસાર, ભારત છોડીને ભાગી ગયા બાદ તેને પકડવાના વર્ષોથી ચાલી રહેલા પ્રયાસોમાં મેહુલ ચોકસીની ધરપકડને એક મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે.
– મેહુલ ચોક્સીનીCBI ની વિનંતી પર ધરપકડ કરવામાં આવી
સૂત્રો અનુસાર મેહુલ ચોક્સીનીCBI ની વિનંતી પર ધરપકડ કરવામાં આવી હતી.ભારતીય એજન્સીઓએ તેને બેલ્જિયમમાં શોધી કાઢ્યો હતો.હકીકતમાં વર્ષ 2021 ના અંતમાં તે એન્ટિગુઆથી ભાગી ગયો હતો.આ ભાગેડુ અંગે ભારતીય તપાસ એજન્સીઓ છેલ્લા બે મહિનાથી બેલ્જિયમની એજન્સીઓના સતત સંપર્કમાં હતી ત્યારબાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.ભાગેડુ મેહુલ ચોક્સી હાલમાં પોલીસ કસ્ટડીમાં છે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે નાદુરસ્ત તબિયત અને અન્ય કારણોસર બેલ્જિયમની કોર્ટમાંથી જામીન માંગી શકે છે.
– પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં તેમની કથિત ભૂમિકાનો આરોપ
મેહુલ ચોક્સી અને તેમના ભત્રીજા નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં તેમની કથિત ભૂમિકાનો આરોપ છે જ્યાં તેમના પર બેંક સાથે રૂપિયા 13,850 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે.જ્યારે
મુંબઈની એક કોર્ટે મેહુલ ચોક્સી વિરુદ્ધ બે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યા છે.પહેલું વોરંટ 23 મે 2018 ના રોજ ઈસ્યુ કરવામાં આવ્યું હતું અને બીજું વોરંટ 15 જૂન 2021 ના રોજ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. આ બન્ને વોરંટ પંજાબ નેશનલ બેંક કૌભાંડના સંદર્ભમાં જાહેર કરવામાં આવ્યા હતા.
– ED અને CBI દ્વારા ચોક્સીના પ્રત્યાર્પણના પ્રયાસ
ED અને CBI દ્વારા ચોક્સીના પ્રત્યાર્પણના પ્રયાસો શરૂ થયાના થોડા દિવસો પછી ચોક્સી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો.સૂત્રો અનુસાર મેહુલ ચોક્સીને ભારત લાવવાના પ્રયાસો કરવામાં આવશે.જોકે ચોક્સી હજુ પણ બેલ્જિયમની કોર્ટમાં કાનૂની યુક્તિઓનો ઉપયોગ કરી શકે છે તેથી કાનૂની લડાઈમાં થોડો સમય લાગશે.
નોંધનિય છે કે સપ્ટેમ્બર 2024 માં ચોક્સીના પ્રત્યાર્પણ માટે બેલ્જિયમને વિનંતી કરવામાં આવી હતી.પરંતુ તે સમયે ચોક્સીના વકીલોએ કહ્યું હતું કે તેમના અસીલની તબિયત સારી નથી અને તે બ્લડ કેન્સરથી પીડિત છે તેથી તેનું પ્રત્યાર્પણ થઈ શકતું નથી.આ પછી ED અધિકારીઓએ કોર્ટને કહ્યું હતું કે જો તે સારવાર માટે એન્ટિગુઆથી બેલ્જિયમ જઈ શકે છે તો તે સારવાર માટે ભારત પણ જઈ શકે છે.ઇડી અને સીબીઆઈની પ્રત્યાર્પણ વિનંતીઓ બાદ બેલ્જિયમ પોલીસે તેની ધરપકડ કરી હતી.
– 13,500 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ
મેહુલ ચોક્સી કરોડો રૂપિયાના PNB કૌભાંડનો મુખ્ય આરોપી છે.આ કૌભાંડ 13,500 કરોડ રૂપિયાથી વધુનું છે.મેહુલ ચોક્સી વર્ષ 2018 થી એન્ટિગુઆમાં રહે છે.ED એ ચોક્સી વિરુદ્ધ ત્રણ ચાર્જશીટ દાખલ કરી છે. તો વર્ષ 2019માં ED એ બોમ્બે હાઈકોર્ટને કહ્યું હતું કે ચોક્સી ‘ભાગેડુ અને ફરાર’ છે.
– વર્ષ 2018 માં PNB કૌભાંડ પ્રકાશમાં આવ્યુ
વર્ષ 2018 માં PNB કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ ચોક્સી ભારતમાંથી ભાગી ગયો હતો.ચોક્સીનો ભત્રીજો નીરવ મોદી પણ આ કૌભાંડનો આરોપી છે અને લંડનમાં પ્રત્યાર્પણની કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે.મે 2021માં ચોક્સી એન્ટિગુઆથી ગુમ થયાના અહેવાલો પણ આવ્યા હતા પરંતુ બાદમાં તે ડોમિનિકામાં હોવાનું જાણવા મળ્યું હતું.CBI એ મેહુલ ચોક્સી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવા માટે ઇન્ટરપોલને અપીલ કરી હતી.
આ પછી વર્ષ 2018 માં ઇન્ટરપોલે ચોક્સી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી.ચોક્સી દ્વારા રેડ કોર્નર નોટિસ દૂર કરવા માટે ઇન્ટરપોલમાં અરજી દાખલ કરવામાં આવી હતી.આમાં તેમણે દાવો કર્યો હતો કે વર્ષ 2021 માં, ભારતીય તપાસ એજન્સીઓએ તેમનું ‘અપહરણ’ કર્યું હતું અને તેમને ડોમિનિકા લઈ ગયા હતા.આ કારણોસર ઇન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટિસ દૂર કરવાનો નિર્ણય લીધો છે.
વર્ષ 2018માં ED એ ચોક્સીની 1,217 કરોડ રૂપિયાની 41 સ્થાવર મિલકતો કામચલાઉ રીતે જપ્ત કરી હતી. જપ્ત કરાયેલી મિલકતોમાં મુંબઈના પોશ વિસ્તારમાં આવેલા તેમના બે ફ્લેટ,કોલકાતામાં એક મોલ, મુંબઈ-ગોવા હાઇવે પર 27 એકર જમીન, તમિલનાડુમાં 101 એકર જમીન,આંધ્રપ્રદેશના નાગપુર,નાસિકમાં જમીન,અલ્લાબાગમાં બે બંગલા અને સુરતમાં ઓફિસનો સમાવેશ થાય છે.