હેડલાઈન :
- વક્ફ એક્ટ પર સંસદ બાદ હવે શરૂ થઈ કાયદાકીય લડાઈ
- સુપ્રીમ કોર્ટમાં વક્ફ સામેની 10 અરજીઓ પર સુનાવણી થશે
- વક્ફ એક્ટ સામે સુપ્રીમ કોર્ટમાં કુલ 73 અરજીઓ દાખલ કરાઈ
- ત્રણ ન્યાયાધીશોની બેન્ચ વક્ફ એક્ટ સામે અરજી પર કરશે સુનાવણી
- જસ્ટિસ સંજીવ ખન્ના,જસ્ટિસ સંજય કુમાર,જસ્ટિસ કેવી વિશ્વનાથન સુનાવણી કરશે
- વક્ફ સુધારા બિલ ચર્ચા બાદ સંસદમાંથી બહુમતીથી થયુ છે પસાર
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તાક્ષર બાદ દેશમાં વક્ફ કાયદો અમલમાં આવ્યો
સુપ્રીમ કોર્ટ બુધવાર 16 એપ્રિલથી નવા વક્ફ કાયદા વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી શરૂ કરશે.કોર્ટમાં કુલ 73 અરજીઓ દાખલ કરવામાં આવી છે જેમાંથી 10 અરજીઓ પર આજે સુનાવણી નક્કી કરવામાં આવી છે. આ અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે નવો કાયદો યોગ્ય નથી અને તે મુસ્લિમોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરી શકે છે.
– અરજદારો શુ કહે છે ?
અરજદારોનું કહેવું છે કે કાયદામાં ફેરફાર પછી વકફ મિલકતોનું યોગ્ય રીતે સંચાલન થશે નહીં અને તે એકતરફી બની શકે છે.આ કેસની સુનાવણી આજે બુધવારે બપોરે 2 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં શરૂ થશે.ત્રણ ન્યાયાધીશો જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ તેની સુનાવણી કરશે.તાજેતરમાં, કેન્દ્ર સરકારે વક્ફ કાયદામાં ફેરફાર કર્યા હતા, જે હવે લાગુ કરવામાં આવ્યો છે.આ કાયદાને લઈને દેશના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શનો થયા છે અને કેટલીક જગ્યાએ હિંસાના બનાવો પણ નોંધાયા છે.
– સંસદમાં બિલ પસાર થઈ ગયું
આ બિલ સૌ પ્રથમ લોકસભામાં પસાર થયો હતો જ્યાં 288 સાંસદોએ તેની તરફેણમાં અને 232 સાંસદોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. આ પછી આ બિલ રાજ્યસભામાં પણ પસાર થયું જ્યાં 128 સાંસદોએ તેનું સમર્થન કર્યું અને 95 લોકોએ તેનો વિરોધ કર્યો.જ્યારે આ બિલ પર સંસદમાં ચર્ચા થઈ રહી હતી ત્યારે વિપક્ષ તરફથી જોરદાર વિરોધ જોવા મળ્યો.ઘણા નેતાઓએ સરકાર પર આરોપ લગાવ્યો કે આ કાયદો લોકોની મિલકત બળજબરીથી હડપ કરવાનો પ્રયાસ છે.
– કોણે કોણે આપ્યો પડકાર ?
દેશભરના ઘણા રાજકીય પક્ષોએ વકફ કાયદામાં કરવામાં આવેલા ફેરફારો સામે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરી છે.મુખ્ય અરજદારોમાં કોંગ્રેસ,તૃણમૂલ કોંગ્રેસ (TMC), CPI, YSR કોંગ્રેસ (YSRCP) જેવા પક્ષોનો સમાવેશ થાય છે.તેમની સાથે અભિનેતા વિજયની પાર્ટી TVK, RJD, JDU, AIMIM અને આમ આદમી પાર્ટી (AAP)ના પ્રતિનિધિઓએ પણ આ કાયદાનો વિરોધ કરતી અરજી દાખલ કરી છે.
બે હિન્દુ પક્ષકારોએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.એડવોકેટ હરિ શંકર જૈને પોતાની અરજીમાં કહ્યું છે કે આ કાયદાની કેટલીક કલમો સરકારી જમીન અને હિન્દુ ધાર્મિક સ્થળો પર ગેરકાયદેસર કબજો કરવાનો માર્ગ ખોલી શકે છે.નોઈડાની પારુલ ખેરાએ પણ આવી જ ચિંતા વ્યક્ત કરતી અરજી દાખલ કરી છે.ધાર્મિક સંગઠનોએ પણ આ કાયદા સામે અવાજ ઉઠાવ્યો છે.સમસ્થ કેરળ જમિયતુલ ઉલેમા,ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને જમિયત ઉલેમા-એ-હિંદ જેવા સંગઠનોએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ બાબતમાં જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ મોટો ફાળો આપ્યો હોવાનું માનવામાં આવે છે.