હેડલાઈન :
- કાશ્મીર ખીણના પહેલગામમાંપર્યટન સ્થળ પર આતંકી હુમલો
- આતંકીઓએ કરેલા અંધાધુંધ ફાયરિંગમાં 26 લોકોના મૃત્યુ,17 ઘાયલ
- આતંકીઓએ પહેલા નામ અને ધર્મ પૂછ્યા અને બાદમાં ફાયરિંગ કર્યુ
- પહેલગામ આતંકી હુમલા બાદ સેના, CRPF, સ્થાનિક પોલીસ સતર્ક થયા
- વર્ષ 1995 થી વર્ષ 2025 પહેલગામ આતંકી હુમલાની સિલસિલાવાર વિગત
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં મંગળવાર 22 એપ્રિલ 2025 ના રોજ એક હૃદયદ્રાવક આતંકવાદી હુમલો થયો.બૈસરન ખીણ નજીક આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો. આ હુમલામાં 26 પ્રવાસીઓના મોતના અહેવાલ છે.આતંકવાદીઓએ ફક્ત હિન્દુ પ્રવાસીઓને જ નિશાન બનાવ્યા હતા.પ્રવાસીઓની ઓળખ હિન્દુ તરીકે થયા પછી,તેમને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યા.
આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.અહીં પર્યટન મોસમ ચરમસીમાએ છે અને પહેલગામમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સતત આવી રહ્યા છે.આતંકવાદીઓએ કથિત રીતે સેના અને પોલીસના ગણવેશ પહેરીને આ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું હતું.આ પહેલી વાર નથી જ્યારે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓને નિશાન બનાવ્યા હોય,આ પહેલા પણ ખીણમાં આવા હુમલા થયા છે.આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા ત્યારે થયેલા હુમલાઓ વિશે આવો જાણીએ.
– વર્ષ 2024 શ્રીનગર :
18 મે,2024 ના રોજ શ્રીનગરમાં આતંકવાદીઓએ જયપુરના એક દંપતી પર ગોળીબાર કર્યો હતો.આ દંપતી શહેરના એક પર્યટન સ્થળની મુલાકાતે જઈ રહ્યું હતું ત્યારે હુમલો થયો હતો.અહીં આવતા પ્રવાસીઓમાં ભયનું વાતાવરણ ઊભું કરવા માટે આવું કરવામાં આવ્યું હતું.
– વર્ષ 2024 જમ્મુ :
9 જૂન, 2024 ના રોજ, આતંકવાદીઓએ જમ્મુ ક્ષેત્રના રિયાસી જિલ્લામાં યાત્રાળુઓથી ભરેલી બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો.આ હુમલામાં 9 લોકો માર્યા ગયા હતા,જેમાં 7 યાત્રાળુઓ,એક ડ્રાઇવર અને એક કંડક્ટરનો સમાવેશ થાય છે.બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યા પછી,તે ખાડામાં પડી ગઈ જેમાં 33 લોકો ઘાયલ થયા.
– વર્ષ 2017 કુલગામ :
10 જુલાઈ, 2017 ના રોજ કાશ્મીરના કુલગામમાં અમરનાથ યાત્રા બસ પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 8 લોકો માર્યા ગયા હતા.
– વર્ષ 2006 કુલગામ :
12 જૂન, 2006ના રોજ કાશ્મીરના કુલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નવ નેપાળી અને બિહારી મજૂરો માર્યા ગયા હતા.તે બધા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ટાર્ગેટ કિલિંગનો ભોગ બન્યા હતા.
– વર્ષ 2005 લાલ ચોક :
14 નવેમ્બર 2005ના રોજ શ્રીનગરના લાલ ચોક વિસ્તારમાં એક સિનેમા હોલ પાસે આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો.આ હુમલામાં,2 CRPF જવાનો સહિત 4 લોકો માર્યા ગયા હતા,જ્યારે 17 અન્ય ઘાયલ થયા હતા,જેમાં એક જાપાની પ્રવાસીનો પણ સમાવેશ થાય છે.આ હુમલો એવા સમયે થયો હતો જ્યારે શ્રીનગર પ્રવાસીઓ માટે પ્રમાણમાં સલામત માનવામાં આવતું હતું.
– વર્ષ 2003 નંદીમાર્ગ :
23 માર્ચ, 2003ના રોજ પુલવામા જિલ્લાના નંદીમાર્ગ ગામમાં આતંકવાદીઓએ ઓછામાં ઓછા 24 કાશ્મીરી પંડિતોની હત્યા કરી હતી,જેમાં 11 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ થતો હતો.
– વર્ષ 2002 ચંદનવારી :
કાશ્મીરમાં ચંદનવારી બેઝ કેમ્પ પર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 11 અમરનાથ યાત્રાળુઓ માર્યા ગયા હતા.
-વર્ષ 2002 રાષ્ટ્રીય ધોરીમાર્ગ :
23 નવેમ્બર, 2002ના રોજ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર દક્ષિણ કાશ્મીરના લોઅર મુંડા ખાતે એક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ એટલે IED વિસ્ફોટમાં 9 સુરક્ષા કર્મચારીઓ,3 મહિલાઓ અને 2 બાળકો સહિત 19 લોકો માર્યા ગયા હતા.
-વર્ષ 2001 અમરનાથ :
જુલાઈ 2001માં અમરનાથ યાત્રાળુઓને ફરીથી નિશાન બનાવવામાં આવ્યા.આ વખતે અનંતનાગમાં શેષનાગ બેઝ કેમ્પ પર આતંકવાદી હુમલો થયો હતો જેમાં 13 લોકોનાં મોત થયા હતા.
-વર્ષ 2000 અનંતનાગ- ડોડા :
1 અને 2 ઓગસ્ટના રોજ અનંતનાગ અને ડોડા જિલ્લામાં થયેલા હુમલામાં લગભગ 100 લોકો માર્યા ગયા હતા.2 ઓગસ્ટના રોજ પહેલગામના નુનવાન બેઝ કેમ્પ પર થયેલા હુમલામાં 21 યાત્રાળુઓ,સાત સ્થાનિક દુકાનદારો અને ત્રણ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા.આ હુમલાઓનો ઉદ્દેશ્ય અમરનાથ યાત્રાને વિક્ષેપિત કરવાનો અને ખીણમાં આતંક ફેલાવવાનો હતો.
-વર્ષ 2000 અનંતનાગ :
21 માર્ચ,2000 ની રાત્રે, અનંતનાગ જિલ્લાના ચટ્ટીસિંહપોરા ગામમાં આતંકવાદીઓ દ્વારા લઘુમતી શીખ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો હતો.આ હુમલામાં 36 લોકો માર્યા ગયા હતા.
-વર્ષ 2000 પહેલગામ :
ઓગસ્ટ 2000 માં, પહેલગામના નુનવાન બેઝ કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલામાં બે ડઝન અમરનાથ યાત્રાળુઓ સહિત 32 લોકો માર્યા ગયા હતા.
– વર્ષ 1995 પહેલગામ :
4 જુલાઈ 1995ના રોજ, હરકત-ઉલ-અંસાર નામના આતંકવાદી સંગઠને પહેલગામના લિડરવાટ વિસ્તારમાં 6 વિદેશી પ્રવાસીઓ અને 2 ગાઇડનું અપહરણ કર્યું હતું.પ્રવાસીઓ અમેરિકા,બ્રિટન,નોર્વે અને જર્મનીના હતા. આ ઘટના આંતરરાષ્ટ્રીય સ્તરે હેડલાઇન્સ બની અને કાશ્મીરના પર્યટન ઉદ્યોગને ભારે નુકસાન પહોંચાડ્યું. આતંકવાદીઓ દ્વારા એક પ્રવાસીની હત્યા કરવામાં આવી હતી.