મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયોની વિગતો આપતા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, NEP -2020 હેઠળ તમામ યુનિવર્સિટીઓમાં એક સરખા માળખા અને કાર્યપદ્ધતિના સુચારૂ અમલ માટે ગુજરાતમાં એક સમાન કાયદો અનિવાર્ય છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020ની જરૂરીયાતોના સંદર્ભે એકસરખા માળખા પર અને કાર્યપદ્ધતિ પર આધારીત હોય તેવી પ્રણાલીગત તમામ યુનિવર્સિટીઓ માટે એક સમાન કાયદો બનાવીને અમલ કરવાનું સરળ,યોગ્ય,વ્યવહારૂ અને કાયદાકીય રીતે પણ વાજબી અને ન્યાયપૂર્ણ છે.જે માટે રાજ્યની યુનિવર્સિટીઓ માટે કોમન પબ્લિક યુનિવર્સિટી એક્ટ હોવો અનિવાર્ય અને જરૂરી પણ છે.
હાલ દેશમાં મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ,બિહાર,કર્ણાટક,આંધ્રપ્રદેશ રાજયોમાં યુનિવર્સિટી કોમન એકટ બનાવવામાં આવ્યો છે તેમ,મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ છે.તો વળી તેમણે ઉમેર્યુ કે ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસું સત્રમાં ‘ગુજરાત યુનિવર્સિટીઝ એક્ટ રજૂ કરાશે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત યુનિવર્સિટીઝ એક્ટ ડ્રાફ્ટ બીલની વિશેષ જોગવાઈઓ અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વર્ષો બાદ તૈયાર કરાયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2020 ના અમલીકરણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રાજ્ય છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે UGC અને કેન્દ્ર સરકારની રેગ્યુલેટરી બોડીઝ જે પ્રમાણે નીતિઓ ઘડે છે તે પ્રમાણે સમયાંતરે રાજ્ય સરકાર દ્વારા ઘણા ઠરાવ અને નોટિફિકેશન્સ બનાવવામાં આવે છે.જેનો અમલ રાજ્યની યુનિવર્સિટીઓમાં સમયાંતરે થાય તે મુજબની જોગવાઈઓ કરવામાં આવી છે.રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020ના મુખ્ય મુદ્દાઓનું રાજ્યની યુનિવર્સિટીમાં અમલીકરણ થાય તે મુજબ યુનિવર્સિટી ઉદ્દેશ્યો,સત્તાઓ અને ફરજો માટે જોગવાઈ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જોડાણો,ઇનોવેશન,ઇન્ક્યુબેશન અને એન્ટરપ્રાઇઝ જેવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 ના મહત્વના મુદ્દાઓની કામગીરી કરવા માટે સત્તાધિશોની નિમણૂક માટેની મહત્વની જોગવાઈ કરવામાં આવી છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન UGC એ વાઈસ ચાન્સેલર તેમજ અન્ય ઓફિસર્સની નિમણૂક માટેના જે ધોરણો દર્શાવેલ છે તે રાજ્યની તમામ યુનિવર્સિટી માટે પણ સમાન છે.આમ, યુનિવર્સિટીના તમામ અધિકારી અને સ્ટાફની નિમણૂક યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન UGCના ધોરણો પ્રમાણે કરવી આવશ્યક બને છે.
યુનિવર્સિટીનું સંચાલન સુચારૂ રૂપે થાય તે માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરવા અંગેની મહત્વની જોગવાઈ કરવામાં આવી છે.હાલમાં જે યુનિવર્સિટી ખાતે બોર્ડ ગવર્નન્સ કે બોર્ડ ઓફ મેનેજમેન્ટની જોગવાઈ નથી તે જ યુનિવર્સિટીઓનો જ આ એક્ટ અંતર્ગત સમાવેશ કરવામાં આવે છે.
રાજ્ય સરકારને કોઈપણ જોગવાઈઓના પાલન માટે જરૂરી હોય તેમ સમયાંતરે નિર્દેશો જારી કરવાની સત્તા પણ હશે તેમ તેમણે ઉમેર્યું હતું.વધુમાં ઉમેર્યુ કે યુજીસીના ધારાધોરણો મુજબ યુનિવર્સિટી અને તેની સંલગ્ન શૈક્ષણિક સંસ્થાઓને તમામ શૈક્ષણિક,વહીવટી અને નાણાકીય ઓટોનોમી પૂરી પાડવામાં આવશે.