આઝાદી કા અમૃત મહોત્સવને યાદગાર તેમજ ભવ્ય બનાવવા ભારતભરમાં ‘મારી માટી,મારો દેશ’ અભિયાને પૂરવેગ પકડ્યો છે.9થી 15 ઓગષ્ટ દરમિયાન રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં આ અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે.
તો વળી હવે 16 ઓગસ્ટથી આ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાના કાર્યક્રમોનો પ્રારંભ થયો છે.જેના ભાગરૂપે રાજ્યની 92 તાલુકા પંચાયતોમાં 18 ઓગસ્ટે એક જ દિવસમાં 42,030 નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી છે.
વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત એક જ દિવસમાં 8,863 વૃક્ષોનું વાવેતર તેમજ વીર વંદના હેઠળ 922 વીરો-પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા છે.જ્યારે 28,814 શિલાફલકમનું સ્થાપન કરવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં તાલુકા કક્ષાએ અંદાજે 96,793 નાગરિકો રાષ્ટ્રગાન અને ધ્વજવંદન કાર્યક્રમમાં સહભાગી થયા.આ ઉપરાંત 19,455 વસુધા વંદનમાં વૃક્ષોનું વાવેતર તથા વીર વંદના હેઠળ 1680 વીરો-વિરાંગનાઓ-પરિવારોને સન્માનિત કરાયા છે જ્યારે 219 તાલુકા પંચાયતોમાં શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું છે.હાથમાં મુઠ્ઠીભર માટી અથવા માટીનો દીવો રાખીને એક્તા અને અખંડિતતા માટે 96,751 નાગરિકોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,ગ્રામ્ય વિસ્તારોમાં ‘મારી માટી,મારો દેશ‘ અભિયાનને સફળતા મળી છે અને આગામી 20 ઓગષ્ટ સુધી તાલુકા સ્તરે આ અભિયાનને સફળ બનાવવા નાગરિકોની સહભાગિતા સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે.