સાળંગપુરધામમાં હનુમાનજીની ભવ્ય પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં મોટો વિવાદ સર્જાયો છે. તેને લઈને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. આ વિવાદને લઈને સંતોનું પ્રતિનીધિ મંડળ સાળંગપુર ખાતે ચર્ચા માટે પહોંચ્યુ હતું. સાળંગપુર મંદિરમાં સાધુઓ અને સ્વામીનારાયણ સંતોએ એક બેઠક કરી હતી જેમાં કોઠારી સ્વામી સહિતના સંતો સાથે થયેલી ચર્ચા બાદ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ ભીંતચિત્રો હટાવવા બે દિવસનો સમય માગ્યો હતો. આમ, આ વિવાદિત ભીંતચિત્રો બે દિવસમાં હટાવી દેવાનો નિર્ણય લેવાયો હતો
હનુમાનજીનાં અપમાન મામલે નૌતમ સ્વામીની હકાલપટ્ટી કરવામાં આવી છે. નૌતમ સ્વામીને ગુજરાત પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. લખનઉમાં અખિલ ભારતીય સંત સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે કમલ રાવલ ભગવા સેના પ્રમુખે કહ્યું હતુ કે, આ લોકો તો આપણી ગીતા ખોટી પાડશે, દર વખતે માફી ના હોય, આજે પણ સંતો સાથે બેઠાં છીએ, આપણે ભૂલો કરી છે ત્યારે આજે ભોગવવું પડે છે.
આજે મળેલી બેઠકમાં સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનો સંતોએ સંકલ્પ કર્યો છે. સંતોએ એકતા દેખાડી સ્વામીનારાયણ મંદિરે નહીં જવાનો કર્યો સંકલ્પ કર્યો છે. ઉપરાંત સ્વામીનારાયણના સંતો સાથે સ્ટેજ પર શેર ન કરવાનો સંકલ્પ કર્યો છે. અમદાવાદ ખાતે મળેલી સાધુ-સંતોની બેઠકમાં વિવાદના મુદ્દે મહત્વનો નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં ભારતી બાપુ પણ હાજર રહ્યા હતા.
સાળંગપુરમાં હનુમાનજીની સૌથી ઊંચી પ્રતિમાની નીચે લગાવેલી નાની પ્રતિમાઓમાં હનુમાનજીને સ્વામિનારાયણના સેવક અને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા છે, જેને પગલે સોશિયલ મીડિયામાં હનુમાનજીનું અને ભગવાન રામનું અપમાન થયું હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી. આ ભીંતચિત્રોને લઈને હાલ ચર્ચાનો વિષય બન્યો છે.