મહારાષ્ટ્રના થાણેના બાલકુમ વિસ્તારમાંથી એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી રહી છે, જ્યાં રુનવાલ નામની બહુમાળી ઈમારતની લિફ્ટ નીચે પડી ગઈ હતી. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે કામદારો કામ કરીને 40 માળની ઈમારતમાંથી નીચે આવી રહ્યા હતા. આ અકસ્માતમાં 7 કામદારોના કરૂણ મોત થયા હતા. દુર્ઘટનાના સમાચાર મળ્યા બાદ સ્થાનિક પોલીસ પ્રશાસન અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
વાસ્તવમાં થાણેમાં રૂનવાલ નામની આ નવનિર્મિત 40 માળની ઈમારતમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ બહુમાળી બિલ્ડીંગની છત પર વોટર પ્રુફીંગનું કામ પણ ચાલી રહ્યું હતું. બિલ્ડિંગમાં કામ કરતા તમામ કામદારો પોતાનુ કામ પતાવીને નીચે જઈ રહ્યા હતા. જેના કારણે લિફ્ટ ધડાકા સાથે નીચે પડી ગઈ હતી. અકસ્માત બાદ સ્થળ પર અફડાતફડી મચી ગઈ હતી. સમાચાર મળ્યા બાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું. આ અકસ્માતમાં મૃતકો તમામ મજૂરો હતા. અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે.
મળતી માહિતી મુજબ મૃતકોમાંથી ચાર સમસ્તીપુરના છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ જણાવ્યું હતું કે તે 40મા માળેથી તૂટી પડતી સામાન્ય લિફ્ટ નહીં પણ બાંધકામની લિફ્ટ હતી. લિફ્ટ P-3 પર ઉતરી (પાર્કિંગ એરિયામાં ત્રણ લેવલ અંડરગ્રાઉન્ડ). આ ઈમારત ઘોડબંદર રોડ પર આવેલી છે.