એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનની ટીમને કારમી હાર આપી છે.વરસાદી માહોલ છતા પણ ભારતની ટીમે પાકિસ્તાન સામે 228 રનથી વિરાટ જીત મેળવી હતી.
આ મેચમાં જીતના હીરો કેએલ રાહુલ,વિરાટ કોહલી અને બોલર કુલદીપ યાદવ હતા.વિરાટ કોહલી અને રાહુલે અણનમ સદી ફટકારી,જ્યારે કુલદીપ યાદવે પાકિસ્તાની બેટ્સમેનોને પોતાની સ્પિન જાળમાં ફસાવ્યા.
એશિયા કપ 2023માં સુપર-ફોર રાઉન્ડની બ્લોકબસ્ટર મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે 228 રનથી જીત મેળવી હતી.કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં ભારતે પાકિસ્તાનને 357 રનનો લક્ષ્યાંક આપ્યો જેનો પીછો કરતા પાકિસ્તાની ટીમ 32 ઓવરમાં 128 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
વિરાટ કોહલીએ પોતાની વિરાટ રમતનુ પ્રદર્શન કરીને આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 77મી સદી ફટકારી હતી.બેટિંગ કરતી વખતે કોહલીએ 94 બોલમાં 122 રન બનાવ્યા જેમાં 9 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.જ્યારે કે.એલ.રાહુલે 106 બોલમાં 111 રનની અણનમ ઇનિંગ રમી.રાહુલે 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા આમ કોહલી-રાહુલે ત્રીજી વિકેટ માટે 194 બોલમાં 233 રનની ભાગીદારી કરી હતી.
ભારતના બોલર કુલદીપની વાત કરીએ તો તેણે આઠ ઓવરમા 25 રન આપી પાંચ વિકેટ ઝડપી. વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.ભારતીય ટીમ હવે આગામી મેચમાં આજે શ્રીલંકા સામે ટકરાશે.ભારતના આ ભવ્ય વિજયને દેશભરમાં ચાહકોએ વધાવી લીધો હતો.અને ઠેર ઠેર આતશબાજી સાથે એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા.ભારતે પાકિસ્તાનને પછાડ્યુ હોવાથી લોકોનો ઉત્સાહ બેવડાયો હતો.અને લોકોએ ભારત માતા કી જય ના નારા બૂલંદ કરી ભારતીય ટીમને બિરદાવી હતી.