રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં વહેલી સવારે ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો.સાઈડમાં ઉભેલી બસને ટ્રકે પાછળથી ટક્કર મારતા બસમાં સવાર 11 મુસાફરોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.
જ્યારે 12 જેટલા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી છે.મળી રહેલી વિગતો અનુસાર,મુસાફરોથી ભરેલી બસ ગુજરાતથી મથુરા તરફ જઈ રહી હતી.
રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં જયપુર-આગ્રા હાઈવે પર આવેલા હંતારા પુલ પર બસ ખરાબ થઈ ગઈ હતી.જેથી બસના ડ્રાઈવરે બસને સાઈડમાં ઉભી રાખી આ દરમિયાન ટ્રકે પાછળથી બસને ટક્કર મારી હતી.આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બસમાં સવાર 11 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યાં. પોલીસનું અનુસાર અકસ્માતમાં 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે.તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાજસ્થાનમાં સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામેલા 11 મૃતકો અને તેમના સ્વજનો પ્રત્યે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુ:ખ ભરી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કરતા લખ્યુ કે રાજસ્થાનના ભરતપુર નજીક થયેલ માર્ગ અકસ્માતની ઘટના ખૂબ આઘાતજનક છે.અકસ્માતમાં ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો છે. સૌ મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્ત યાત્રિકો જલ્દીથી સાજા થાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.
તો વળી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ અકસ્માતની આ ગોઝારી ઘટનાના મૃતકો માટે દુ:ખ વ્યક્ત કર્યુ અને મૃતકોના સ્વજનો અને અને ઈજાગ્રસ્તો માટે સંવેદના વ્યક્ત કરી છે.સાથે જ રાજસ્થાનમાં થયેલ માર્ગ અકસ્માતની કરુણ ઘટનામાં ગુજરાતના જે યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે પ્રત્યેકના પરિવારજનને રૂ.4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય ગુજરાત સરકાર કરશે. દુ:ખની આ ઘડીમાં રાજ્ય સરકાર મૃતકો અને ઇજાગ્રસ્ત યાત્રિકોના સ્વજનોની પડખે છે.