વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકે વિવાદ વકરતા બોયઝોન ઇવેન્ટ એન્ડ પ્રમોશન કંપનીને ગરબાના આયોજનમાંથી હટાવી દીધી છે. વિશ્વ હિન્દુ પરિષદ અને સંત જ્યોર્તિનાથ મહારાજના વિરોધ બાદ શિહાબ પઠાણની બોયઝોન ઇવેન્ટ કંપનીને આયોજનમાંથી હટાવી દીધી છે. વિવાદ વકરતા વર્ડવિઝાર્ડ ફાઉન્ડેશને કંપનીને હટાવ્યાની સત્તાવાર જાહેરાત કરી છે.
શું છે સમગ્ર વિવાદ?
વડોદરાનાં પ્રસિદ્ધ લક્ષ્મી વિલાસ પેલેસમાં યોજાનારા હેરિટેજ ગરબામાં શિહાબ પઠાણની બોયઝોન ઇવેન્ટ એન્ડ પ્રમોશન કંપનીને ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ અપાતા વિવાદ ઉભો થયો હતો. આ મામલે જ્યોર્તિનાથ મહારાજે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગરબામાં મુસ્લિમને કામ કેમ આપવામાં આવે છે? ત્યારે આ સમગ્ર મામલે કલેક્ટને રજૂઆત કરવામાં આવશે.
હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદનાં મહામંત્રી વિષ્ણુ પ્રજાપતિએ નિવેદન આપ્યું હતું કે, નવરાત્રીએ પૈસા કમાવવાનું સાધન નથી. માતાજીની આરાધના અને અનુષ્ઠાનનું પર્વ છે. તેની પવિત્રતા જળવાવી જોઈએ. તેમજ નવરાત્રી પરિક્રમાનું પર્વ, માતાજીનું સ્થાન મધ્યમાં હોવું જોઈએ. કેટલાક લોકો પર્વનું વ્યવસાયીકરણ કરી વિધર્મીઓને એન્ટ્રી આપે છે. વિધર્મીઓ વિવિધ રીતે ગરબાઓમાં પ્રવેશ કરે છે. તેમજ બાઉન્સરનાં રૂપમાં, ફરસખાનના રૂપમાં પ્રવેશે છે. આ સનાતન ધર્મ પર પ્રહાર છે. અમે નહીં સાંખી લઈએ અને કાનુની કાર્યવાહી કરીશું. કલા નગરીના સંસ્કાર સુરક્ષા જળવાય તેવી તંત્ર વ્યવસ્થા કરે છે. આ મામલે વિવાદ વકરતા હવે લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકે શિહાબ પઠાણની બોયઝોન ઇવેન્ટ કંપનીને હટાવી દીધી છે.