ગાઝા પટ્ટીની એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં 500 લોકોના મોત થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર થયેલા હુમલા પર શોક વ્યક્ત કર્યો હતો અને આ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. એટલું જ નહીં પીએમ મોદીએ કહ્યું કે આ હુમલામાં સામેલ લોકોની જવાબદારી નક્કી થવી જોઈએ. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં જાન-માલના દુ:ખદ નુકશાનથી ઊંડો આઘાત. પીડિતોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છાઓ. ચાલુ સંઘર્ષમાં નાગરિકોની જાનહાનિ એ ગંભીર અને સતત ચિંતાનો વિષય છે. આમાં સામેલ લોકોને જવાબદાર ઠેરવવા જોઈએ.