સરદાર પટેલ જયંતી નિમિત્તે આગામી 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાની પાદપૂજા કરીને સમગ્ર દેશવાસીઓ તરફથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ તેઓ એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં ઉપસ્થિત રહી પોલીસદળના જવાનો દ્વારા થનારી એકતા પરેડનું નિરીક્ષણ કરશે અને તમામ લોકોને રાષ્ટ્રીય એકતા દિવસના શપથ પણ લેવડાવશે.
વડાપ્રધાન આ વર્ષે યોજાનારા ‘આરંભ’ (AARAMBH) કાર્યક્રમમાં હાજરી આપી ઓફિસર તાલીમાર્થીઓને સંબોધિત કરશે. આરંભ કાર્યક્રમનું આ પાંચમું સંસ્કરણ હશે, જેની આ વર્ષની થીમ છે, ‘હારનેસિંગ ધ પાવર ઓફ ડિસરપ્શન’. આ સાથે જ વડાપ્રધાનશ્રીના હસ્તે વિવિધ વિકાસકામો અને પ્રવાસન આકર્ષણોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ 5 પ્રોજેક્ટ્સ, 3 પ્રવાસન આકર્ષણો અને 3 ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઇ રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી (SOUADTGA) પ્રકૃતિ, સંસ્કૃતિ અને પાણી (નેચર, વોટર એન્ડ કલ્ચર)ના સંરક્ષણ સાથે એકતાનગરનો વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છે.
પ્રકૃતિના સંરક્ષણ માટે ગ્રીન ઇનિશિયેટિવ પ્રોજેક્ટ્સ
સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીએ પ્રકૃતિના સંરક્ષણ માટે ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ પાંચ પ્રોજેક્ટ્સનું આયોજન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સરદાર પટેલ જયંતીના અવસરે આ પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં 30 ઇ-બસો, પબ્લિક બાઇક શેરિંગ, ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સિટિ ગેસનું વિતરણ અને એકતાનગરમાં આવતા પ્રવાસીઓના સરળ ટ્રાન્સપોર્ટેશન માટે ગોલ્ફ કાર્ટ્સ જેવી સુવિધાઓનું લોકાર્પણ તેમજ 4 મેગાવોટ સ્થાપિત ક્ષમતા સાથેના સોલાર પેનલ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં પ્રવાસીઓના હરવા ફરવા માટે ગ્રીન ઇનિશિયેટીવના ભાગરૂપે ઓથોરિટી દ્વારા ડીઝલથી ચાલતી બસોના સ્થાને હવે ઇલેક્ટ્રિક બસો ચલાવવામાં આવશે. આ સાથે જ, પ્રવાસીઓને એકતાનગરનો સર્વાંગી અનુભવ પ્રદાન કરવા માટે તેમજ તેઓને ટ્રાન્સપોર્ટેશન માટે એક હરિત માધ્યમ એટલે કે ગ્રીન મોડ ઉપલબ્ધ કરાવવા માટે ઓથોરિટીએ સાયકલ શેરિંગ સિસ્ટમ (પબ્લિક બાઇક શેરિંગ)નું આયોજન કર્યું છે, જે પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં ફરવા માટે ઓછા ખર્ચે પર્યાવરણને અનુકૂળ મોબિલીટી પ્રદાન કરશે. એકતાનગરમાં પર્યાવરણીય ટકાઉપણાને તેમજ સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) નેટવર્કના વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી તમામ ઘરોમાં ‘પાઇપ્ડ નેચરલ ગેસ’ સપ્લાય કરવા માટે ગુજરાત ગેસ લિમિટેડ (GGL) દ્વારા સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશનનું આયોજન કરવામાં આવ્યું છે, જે પરંપરાગત ઈંધણ સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા મુલાકાતીઓને કુદરતી વાતાવરણ અને સુંદર લેન્ડસ્કેપ્સનો આરોગ્યપ્રદ અનુભવ આપવા એકતાનગરમાં પ્રવાસીઓ માટે પર્યાવરણને અનુકૂળ પરિવહન ઉકેલ તરીકે ઇ-ગોલ્ફ કાર્ટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ સાથે જ, ગ્રીન અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સસ્ટેનેબલ સોલ્યુશન્સના ભાગરૂપે તેમજ 1.4 મેગાવોટની સોલાર પાવર ઉત્પાદનની હાલની ક્ષમતામાં વધારો કરવા માટે પાર્કિંગ 1, પાર્કિંગ 2 અને પાર્કિંગ 3 પર સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવાની યોજના છે, જે 4 મેગાવોટ સોલાર પાવર જનરેટ કરશે. આમ, પ્રકૃતિના સંરક્ષણ સાથે એકતાનગરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
₹100 કરોડના ખર્ચે બનશે વિઝિટર્સ સેન્ટર
એકતાનગરની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે લગભગ ₹100 કરોડના ખર્ચે એક વિઝિટર્સ સેન્ટર નિર્માણ કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાનશ્રીના હસ્તે કરવામાં આવશે. આ વિઝિટર્સ સેન્ટર એક રિસેપ્શન સેન્ટર તરીકે કાર્ય કરશે, જે પ્રવાસીઓને માહિતી અને દિશા પ્રદાન કરશે. તેમાં પ્રવાસીઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડતી દુકાનો, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ, આરામ અને મનોરંજનની જગ્યાઓ પણ બનાવવામાં આવશે.
આ સાથે જ, ₹7.5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા કમલમ્ પાર્કનું પણ લોકાર્પણ વડાપ્રધાનશ્રી દ્વારા કરાશે. આ પ્રોજેક્ટમાં એકતાનગર ખાતે નર્મદા નદીના ડાબા કિનારે ડ્રેગન ફ્રૂટ, કે જે ભારતમાં ‘કમલમ’ તરીકે જાણીતું છે, તેની નર્સરી બનાવવામાં આવી છે. આ નર્સરીમાં મુલાકાતીઓ અને ખેડૂતોને આ ફળના ફાયદા અને તેની ખેતીની પદ્ધતિ વિશે શિક્ષિત કરવા માટે ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર આવેલું છે, તેમજ તેમને વિતરણ માટે 910,00 કમલમના છોડ પણ રાખવામાં આવ્યા છે. નર્સરીનું એકંદર વાતાવરણ અને કેક્ટસ ગાર્ડનની નજીકમાં તે આવેલો હોવાથી કમલમ પાર્ક એકતા નગરના મુલાકાતીઓ માટે એક રસપ્રદ આકર્ષણ બનશે.
નર્મદા આરતી હવે થશે લાઇવ
વારાણસીની ભવ્ય મહાગંગા આરતીમાંથી પ્રેરણા લઈને, એકતાનગર ખાતે એકતા નર્સરીની બાજુમાં ખાસ બાંધવામાં આવેલા ઘાટ પર નર્મદાના કિનારે નર્મદા આરતી કરવામાં આવે છે. આ સુંદર પરંપરાનું હવે વિસ્તરણ કરીને ઓથોરિટી નવી યુટ્યુબ ચેનલ દ્વારા દરરોજ નર્મદા આરતીનું લાઈવ સ્ટ્રીમિંગ કરાશે. આ પ્રયાસ અસંખ્ય શ્રદ્ધાળુઓને એકસાથે તો જોડે જ છે, પરંતુ ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપતા વૈશ્વિક ધોરણો પણ સ્થાપિત કરે છે. સ્થાનિક હોટલો અને રહેઠાણોમાં પણ આરતીનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે તેમજ ઓથોરિટી એકતા નગર ખાતે સ્થાપિત મોટી LED સ્ક્રીન પર આરતીનું પ્રસારણ કરવા માટે પણ સક્રિયપણે કામ કરી રહી છે. આ પહેલ આધ્યાત્મિક અનુભવને વધુ મોહક બનાવશે અને ધાર્મિક પ્રવાસન માટે એક હબ તરીકે એકતા નગરની ખ્યાતિમાં વધારો કરશે.
એકતાનગર ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ
પ્રવાસીઓની સુવિધા માટે એકતાનગર ખાતે ₹7.5 કરોડના ખર્ચે 2 ફ્રિસ્કિંગ બૂથ સાથે 150 મીટરના વોક-વેનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફ્રિસ્કિંગ બૂથની ક્ષમતા જૂના ફ્રિસ્કિંગ બૂથની સરખામણીએ ત્રણગણી છે. વડાપ્રધાનશ્રીના હસ્તે વોક-વેનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે જ, એકતાનગરના રહેવાસીઓ અને પ્રવાસીઓ માટે આરોગ્ય સંભાળની સુવિધાઓ વધારવાના ઉદ્દેશ સાથે અહીંયા 50 બેડ્સની ક્ષમતા તેમજ ટ્રોમા સેન્ટરની સુવિધા સાથેની એક સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવામાં આવશે. SSNNL દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના વિકાસ માટે આરોગ્ય વિભાગને 6000 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે.
₹81 કરોડના ખર્ચે સહકાર ભવનનું નિર્માણ
વડાપ્રધાન એકતાનગર ખાતે ₹81 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.ના સહકાર ભવનનું લોકાર્પણ કરશે. સરદાર સરોવર નર્મદા નિગમ લિ. તરફથી બેંકને સહકાર ભવનના નિર્માણ માટે કેવડિયા કોલોની ખાતે 14,688 ચો.મી. જમીન 99 વર્ષના ભાડા પટ્ટે ફાળવવામાં આવી છે. આ ભવનનું નિર્માણ આર્કિટેક્ટ, PMC, કન્સલ્ટીંગ એન્જિનિયર, ઇન્ટીરિયર વગેરે નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. ગેસ્ટ હાઉસ બિલ્ડીંગમાં AC, TV તથા WiFi અદ્યતન ફર્નીચર સાથેની વ્યવસ્થા ધરાવતા 1 VIP રૂમ, 5 VIP રૂમ, 28 DELUX રૂમ, 45-છ બેડના રૂમ, ડ્રાઈવર માટે ડોરમેટરી થઈને કુલ 360 વ્યક્તિ માટે રહેઠાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ટ્રેઇનીંગ/મીટિંગની સુવિધા માટે અંદાજે 300 વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા અને અદ્યતન ઓડિયો વિડિયો સીસ્ટમ સાથે ઓડિટોરીયમ પણ બનાવવામાં આવ્યું છે. 35 વ્યક્તિઓનો કોન્ફરન્સ રૂમ બનાવી વિડીયો કોન્ફરન્સીંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.
સહકાર ભવનમાં 136 વ્યક્તિઓ માટે જનરલ ડાઈનીંગ, 56 વ્યક્તિઓ માટે VIP ડાઈનીંગ અને અદ્યતન કિચનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સંકુલમાં 321 ટુ વ્હીલર, 75 ફોર વ્હીલર માટે પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. ભવનમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા ચિત્રકળાના નમૂના તથા મંદિર પણ બનાવવામાં આવ્યા છે.
એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર
GMR વરાલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા એકતાનગર ખાતે એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર કાર્યરત છે. આ સેન્ટર ખાતે વિવિધ કોર્સ હેઠળ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. આ કોર્સીસમાં ઇ-ઓટો ડ્રાઇવર, લાઇટ મોટર વ્હીકલ ડ્રાઇવર, હાઉસકીપીંગ અને રૂમ અટેન્ડન્ટ, આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયન, ફ્રન્ટ ઓફિસ એસોસિયેટ, કોમ્પ્યુટર/ડેટા એન્ટ્રી ઓપરેટર, આસિસ્ટન્ટ બ્યુટી થેરાપિસ્ટ, ફૂડ એન્ડ બેવરેજીસ સ્ટુઅર્ડ, કડિયાકામ ટેક્નિશિયન અને ટુરિસ્ટ ગાઇડ જેવા કુલ 10 કોર્સનો સમાવેશ થાય છે. માર્ચ 2023 સુધીમાં આ સેન્ટરમાંથી કુલ 1141 તાલીમાર્થીઓ પાસ થયા છે અને 787 તાલીમાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે અથવા તો તેઓ સ્વરોજગાર ધરાવે છે.