કેરળમાં એક ખ્રિસ્તી સભામાં જોરદાર બ્લાસ્ટ થયો છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર,કોચીમાં કલામસેરી સ્થિત એક કન્વેન્શન સેન્ટરમાં એક મીટિંગ દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો હતો. એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 35 ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃત્યુઆંક વધી શકે છે. સંમેલન કેન્દ્રમાં યહોવાહની પ્રાર્થના ચાલી રહી હતી.
પોલીસને ફોન કરીને મદદ માંગી
હાલમાં કેરળ પોલીસ દ્વારા આ વિસ્ફોટ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી, પરંતુ એક અધિકારીએ જણાવ્યું કે સવારે 9 વાગે વિસ્ફોટ થયા બાદ પોલીસને મદદ માટે ફોન આવવા લાગ્યા. તરત જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકોની સાથે રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. વિસ્ફોટ બાદ સેંકડો લોકો પોલીસની મદદ માટે એકઠા થયા હતા. આનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં લોકો જમીન પર પડેલા જોવા મળી રહ્યા છે.
3-4 બ્લાસ્ટ થયા
સ્થાનિક લોકોએ જણાવ્યું કે કન્વેન્શન સેન્ટરમાં ત્રણ દિવસીય કાર્યક્રમનો આજે છેલ્લો દિવસ હતો. જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે હોલમાં બે હજારથી વધુ લોકો હાજર હતા. પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો છે કે એક પછી એક 3-4 બ્લાસ્ટ થયા જેમાં ઘણા લોકો ઘાયલ થયા.
NIA તપાસ કરશે
આ શ્રેણીબદ્ધ વિસ્ફોટો અંગે કેરળ પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સૂત્રોએ જણાવ્યું છે કે હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટનાની નોંધ લીધી છે. બ્લાસ્ટની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કરશે.
અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના અંગે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે વાત કરી છે. સૂત્રોએ જણાવ્યું છે કે તેમણે આ વિસ્ફોટની તમામ માહિતી એકત્ર કરી લીધી છે. મુખ્યમંત્રીએ તેમને પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા છે. શાહે કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
શું કહ્યું કેરળના મંત્રીએ
કેરળના ઉદ્યોગ મંત્રી અને કલામાસેરીના ધારાસભ્ય પી રાજીવે આ ઘટના અંગે કહ્યું છે કે અધિકારીઓને તમામ શક્ય મદદ પૂરી પાડવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.તેમણે કહ્યું, ‘મેં તમામ અધિકારીઓ સાથે વાત કરી છે. તમામ સૂચનાઓ જારી કરી દેવામાં આવી છે. વિસ્ફોટના કારણ વિશે અમને હજુ સુધી માહિતી મળી નથી. તપાસ થવા દો. હાલ કોઈને પણ ઘટના સ્થળે જવાની પરવાનગી નથી.