આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન આજે સૌ પ્રથમ અંબાજી દર્શનાર્થે જશે. જ્યાં આદિવાસીઓ દ્વારા તેઓનું પરંપરાગત સ્વાગત કરાશે. ત્યારે બાદ મહેસાણાનાં ડભોડા ખાતે જનસભાને સંબોધન કરશે. તેમજ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે.
શક્તિપીઠ અંબાજીમાં PM મોદીના આગમનને લઈને સ્વાગત કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અંબાજીમાં PMનું સ્વાગત આદિવાસી પરંપરા પ્રમાણે નૃત્ય અને ભજન દ્વારા કરવામાં આવશે. આ સાથે 30 અને 31 ઓક્ટોબરે સરદાર પટેલની 148મી જન્મ જયંતીને લઈને કેવડીયા કોલોનીમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ સાથે તેઓ એકતા નગર ખાતે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.
ડાભોડા ગામે યોજાશે કાર્યક્રમ
ડાભોડા ગામમાં સવારે 11 વાગ્યે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસકાર્યો ગુજરાતના મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાને આવરી લે છે. આ તમામ જિલ્લાઓ વચ્ચે કુલ 16 પ્રકલ્પો છે જેમાંથી આઠનું લોકાર્પણ અને આઠ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
મહેસાણામાં જળ સંસાધન વિભાગના વિકાસકાર્યો
મહેસાણામાં વિજાપુર અને માણસા તાલુકાના ડેલ્ટા વિસ્તારમાં વિવિધ તળાવોના રિચાર્જ માટેના કાર્યો અને સાબરમતી નદી પર વાલાસણા બેરેજના નિર્માણ માટેના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. તે સિવાય મહીસાગર જિલ્લામાં પાનમ જળાશય આધારિત લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે સંતરામપુર તાલુકાના વિવિધ તળાવોને જોડશે. આ તમામ પ્રકલ્પનું મૂલ્ય રૂ.270 કરોડ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવશે. 31 ઓક્ટોબરે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તેઓ એકતા પરેડમાં હાજરી આપશે. PM મોદીના હસ્તે એકતાનગર ખાતે કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવશે. ગ્રીન ઈનિશએટીવ અંતર્ગત 30 ઈ-બસોનું PM દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.સાથે જ 210 જેટલા પબ્લિક બાઈક શેરિંગ લોન્ચ કરવામાં આવશે. રૂ.100 કરોડના ખર્ચે વિઝીટર સેન્ટર અને રૂ.7.5 કરોડના ખર્ચે વોક-વેનું નિર્માણ કરાયું છે. આ તમામ પ્રોજેક્ટનું PMના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.