વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસની શરુઆત અંબાજીમાં દર્શન કરીને કરી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેરાલુ પહોંચ્યા હતા. વડાપ્રધાને ખેરાલુમાં વિશાળ જનસભાને સંબોધન કર્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સભામાં ઉત્તર ગુજરાતને કરોડો રુપિયાની વિકાસ ભેટ પણ આપી છે. ગુજરાતને દિવાળી પહેલા જ દિવાળીની ભેટ અહીંના લોકોને મળી છે.
તેમણે અહીં સંબોધનમાં જણાવ્યુ હતુ કે મા અંબાના ચરણોમાં આશીર્વાદ લેવાનો મને આજે મોકો મળ્યો છે. અંબાજી સ્થાનની રોનક જોઈને આનંદ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં સંબોધનમાં જણાવ્યુ હતુ કે અહીં આવ્યા પછી શાળા સમયના કેટલાક મારા ગોઠિયાના ચહેરાઓ પણ જોવા મળ્યા છે. તેમણે જણાવ્યુ કે ઘર આંગણે આવીએ એટલે સ્મરણો તાજા થાય. જે ધરતી અને લોકોએ મને ઘડ્યો છે, એનો ઋણ સ્વીકાર કરવાનો જ્યારે મોકો મળે એટલે સંતોષ થાય જ. આજે વતનની મુલાકાત ઋણ સ્વીકાર કરવાનો મારા માટે અવસર છે.
તેમણે કહ્યુ હતુ કે ઉત્તર ગુજરાતના વિકાસનો સમગ્ર ગુજરાતને લાભ થશે. ભારતના વિકાસની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઇ રહી છે. જ્યાં વિશ્વના દેશો ન પહોચ્યા ત્યાં ભારત પહોંચ્યું છે. ચંદ્રયાન-3 ભારતની સૌથી મોટી સિદ્ધિ સમાન છે. G-20માં ભારતની ક્ષમતા જોઇ વિશ્વ આશ્ચર્યચકિત છે. હું જે સંકલ્પ કરૂ છું તે પૂર્ણ કરવાનો પ્રયાસ કરૂ છું. ગુજરાતમાં સ્થિર સરકારનો લાભ વિકાસ સ્વરૂપે મળ્યો છે. ઉત્તર ગુજરાતનું જીવન બદલવાનો સંકલ્પ લીધો હતો. ઉત્તર ગુજરાતમાં સિંચાઇનો પ્રશ્ન આજે ભૂતકાળ બન્યો છે. આજે મા નર્મદાનું પાણી ગુજરાતના ઘરે ઘરે પહોંચ્યું છે.
તેમણે એમ પણ જણાવ્યું હતુ કે ગુજરાતના વિકાસમાં મહિલાઓનું યોગદાન વિશેષ છે. રાજ્યમાં ડેરી ઉદ્યોગે વિકાસની હરણફાળ ભરી છે. ડેરીઓનું સંચાલન મહિલાઓના પરીશ્રમને આભારી છે. રાજ્યની મહિલાઓ રૂ.50 લાખ કરોડનો દૂધનો વેપાર કરે છે. 20 વર્ષમાં ગ્રામ્યકક્ષાએ ડેરીઓની સમિતિ બનાવી છે. સૂર્યશક્તિનો મોટો ફાયદો ઉત્તર ગુજરાતને થયો છે. ઉત્તર ગુજરાતમાં અનેક મોટા ઉદ્યોગો આવવાથી વિકાસ થયો છે. અન્ય રાજ્યના લોકો ઉત્તર ગુજરાતમાં નોકરી માટે આવે છે. ઉત્તર ગુજરાતમાં ટુરિઝમની અપાર શક્તિઓ રહેલી છે. કાશી બાદ વડનગર એવું સ્થળ જ્યાં લોકો ફરવા આવે છે.