“હવે ભેળસેળીયાઓની ખેર નથી” અને જાહેર બાંધકામની ગુણવત્તાની ચકાસણી માટે સુચના આપતા ગુજરાતના મુખ્યમંત્રીની આ વાત જ ભાજપ સરકારના ૨૫ વર્ષના શાસનમાં સુનિયોજીત ચાલતા ભ્રષ્ટાચારનું એકરારનામું છે ત્યારે લાખો નાગરિકોના જીવન સાથે ચેડા કરતી ભાજપા સરકારની ભ્રષ્ટાચારી રીત રસમો પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કમલમ અને કૌભાંડ એકબીજાના પર્યાય બની ગયા છે. કમીશન વગર કોન્ટ્રાક્ટ નહીની નીતિના લીધે સરકારી જાહેર બાંધકામોમાં ગુણવત્તામાં મોટા પાયે સમાધાન થઈ રહ્યું છે.
મુખ્યમંત્રી માત્ર કેબીનેટ પૂરતી વિગત આપી ચર્ચા કરી ફેસ સેવિંગ ન કરે. મુખ્યમંત્રી પાસે જ શહેરી વિકાસ અને મહેસૂલ વિભાગ તો નક્કર પગલાં કેમ આજદિન સુધી લેવામાં આવતા નથી ? મુખ્યમંત્રી સુચના આપી હેડલાઈન બનાવવાના બદલે નક્કર કાર્યવાહી કરે તો જ ગુજરાતની જનતાને રાહત મળશે. ગુજરાતમાં વારંવાર રસ્તા તુટવા, કેનાલ તુટવી અને બ્રીજ ધરાશાયી થવાની ઘટના એ ભાજપા સરકારના ભ્રષ્ટાચારના બેનમૂન ઓળખ છે. શાળાઓના ઓરડાઓનું બાંધકામ ગુણવત્તા વિનાનું તો જવાબદાર કોણ ? એક જગ્યાએ મંત્રીએ ચકાસણી કરતાં હકિકત સામે આવી અન્ય શાળાઓનું શું ? બાંધકામ થયું હોય તેના સુપરવિઝન અને ચકાસવાની જવાબદારી કોની ? નવા નિર્માણ પામનારા બ્રીજમાં પણ આ પ્રકારની સ્થિતિ છતાં આજદિન સુધી નક્કર પગલા કેમ ભરાતા નથી ? ઓવર કોસ્ટીંગ ટેન્ડર આપવાનું અને ચૂંટણી ફંડ કમલમ પહોંચે, આ ગોઠવણ ના લીધે જનતાના ટેક્ષના નાણાં બારોબાર સગેવગે થઈ રહ્યા છે. ગુજરાતના જાહેર બાંધકામમાં મોટાપાયે ભ્રષ્ટાચારના કારણે ગુણવત્તા રહેતી નથી.
બાંધકામમાં અનેક પ્રકારની ગેરરીતિઓ આવે છે સામે છતાં સરકાર વારંવાર સબસલામતના દાવા કરી રહી છે. ભ્રષ્ટાચારના આરોપમાં કોઈ એક પણ વ્યક્તિને પકડવામાં આવ્યો નથી અને જે પકડાય છે તે નાની માછલીઓ રજુ કરાય છે. મગરમચ્છો માલામાલ થઈ ભાજપ સાથેની ગોઠવણથી જનતાના નાણાંની સીસ્ટમ લૂંટ લાંબા સમયથી ચાલી રહી છે.હવાથી લઈ પાણી, મેવાથી લઈ મેડીસીન સુધી અશુધ્ધ અને હાનિકારક પદાર્થ બેફામ પણે વેચાણ કરવામાં આવે તે ખુબ ચિંતાનું કારણ છે.
ભેળસેળ યુક્ત અશુધ્ધ ખોરાકથી મોટા પાયે જાહેર આરોગ્ય જોખમાઈ રહ્યું છે. સરકારની ભેળસેળ નિવારણ કાયદો માત્ર કાગળ પર છે. જુદી જુદી ભેળસેળ ચકાસવા અને ગુણવત્તા ચકાસવા માટેની પ્રાદેશીક ખોરાક પ્રયોગ શાળાની કામગીરી શંકાના દાયરામાં છે. મરચાની ભૂકીમાં લાકડાનો વહેર, ચાની અંદર જીણી લોખંડની કણીઓ, દૂધની અંદર સ્ટાર્ચ, દળાયેલી ખાંડમાં સોજી, ધોવાનો સોડા કે ચોકનું મિશ્રણ, ઘી અને માખણમાં વનસ્પતિનું મિશ્રણ, કઠોળ અને દાળમાં કૃત્રિમ રંગ, ખાદ્ય તેલમાં ખનીજ તેલનું મિશ્રણ ખુલ્લે આમ થતું હોય તેમ છતાં ભેળસેળથી બચવાના અભિગમનો સદંતર અભાવ અને ભેળસેળીયાઓને જાણે કે ખુલ્લોદોર મળી ગયો હોય તેમ કરોડો રૂપિયાનો વેપાર થાય તેમ છતાં સરકારની ઉંઘ ઉડતી નથી. આજ દર્શાવે છે કે, ભાજપ સરકારના મેળાપીપણાને કારણે લાખો ગુજરાતીઓના જાહેર સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડી રહી છે તે માટે જવાબદાર કોણ ? ગુજરાત જાણવા માંગે છે.