રાજસ્થાનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાફલો બિડિયાદ ગામથી પરબતસર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન તેમનો કાફલો એક એવી ગલીમાંથી પસાર થયો જેની બંને તરફ દુકાનો અને મકાનો હતાં. આ દરમિયાન તેમના રથનો ઉપરનો ભાગ વાયર સાથે અથડાયો ત્યારબાદ વાયરમાંથી તણખા નીકળવા લાગ્યા હતા. ઈલેક્ટ્રીક વાયર રોડ પર પડી ગયો હતો જેના કારણે રથની પાછળના અન્ય વાહનો તુરંત થંભી ગયા હતા અને વીજપુરવઠો બંધ થઈ ગયો હતો. આ બાદ અમિત શાહને બીજા વાહનમાં બેસાડવામાં આવ્યા હતા.
અમિત શાહ નિર્ધારિત કાર્યક્રમ મુજબ પરબતસર વિધાનસભા વિસ્તારમાં રોડ શો કરવાના હતા. તે માટે તેમને ભાજપના બેનર સાથે રથ પર લઇ જવામાં આવ્યા હતા. જ્યારે અમિત શાહનો રથ પરબતસરના બિડિયાદ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો તે સમયે રસ્તા પર લટકતા વાયરો સાથે રથ અથડાયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમિત શાહનો રોડ શો રદ કરવામાં આવ્યો હતો. સુરક્ષાકર્મીઓ અમિત શાહને અન્ય વાહનમાં સલામત રીતે લઈ ગયા હતા.
આ અકસ્માત બાદ ગૃહમંત્રી અમિત શાહને અન્ય વાહનમાં પરબતસર લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમણે રેલીને સંબોધિત કરી હતી. સાથે જ મુખ્યમંત્રી અશોક ગેહલોતે જયપુરમાં પત્રકારોને કહ્યું કે આ મામલાની તપાસના આદેશ આપવામાં આવશે.