જુનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં આજે વહેલી સવારના માનવભક્ષી દિપડાએ ત્રાટકી 11 વર્ષની તરૂણીને ફાડી ખાતા ભારે અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી છે. ગિરનારની અત્યાર સુધીની પરીક્રમામાં વન્ય પ્રાણીએ હુમલો કર્યાની આ પ્રથમ ઘટના ઘટી છે. બોરદેવી વિસ્તારમાં વહેલી સવારના આ 11 વર્ષની તરૂણી તેના નિંદ્રાધીન પરિવાર પાસે બેઠી બેઠી રમતી હતી.
તે દરમિયાન માનવભક્ષી દિપડાએ આવી ચડી આ તરૂણી પર મોત થયેલ છે. આ અંગે મળતી સીલસીલાબંધ વિગતો એવા પ્રકારની છે કે ગિરનારની લીલી પરિક્રમા છેલ્લા 4 દિવસથી શરૂ થઈ જવા પામી છે. વિધીવત રીતે ગત રાત્રીના 12 કલાકે વહીવટી તંત્ર અને સાધુ સમાજ આગેવાનોની હાજરીમાં વન વિભાગના રૂાપાયેતન ગેઈટ ખાતેથી પરિક્રમાને ખુલ્લી મુકવામાં આવી હતી. પરંતુ અગાઉ ઉતાવળીયા યાત્રીકો ધસારાના કારણે દોઢ દિવસ વહેલા પ્રવાસીઓ જંગલમાં પ્રવેશી ચુકયા હતા.
જેમાં બોરદેવી વિસ્તારમાં જંગલ રાઉન્ડમાંથી એક માનવભક્ષી દિપડો ચડી આવી યાત્રીકો કંઈ સમજે તે પૂર્વે દિપડાએ 11 વર્ષની તરૂણી પાયલબેન લક્ષ્મણભાઈ સાખન ઉ.11 ઉપર તરાપ મારી ગંભીર ઈજા પહોંચાડતા તેને તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવેલ હતી. પરંતુ ભારે ગંભીર ઈજા માથા અને શરીરના ભાગ થવાના કારણે પાયલબેન લક્ષ્મણભાઈનું મોત નિપજેલ છે. પાયલબેન અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના વીકટર ગામ હોવાનું ખુલ્યુ છે. આ બનાવમાં ભવનાથ પોલીસમાં ગુનો નોંધાયો છે.
એક બાજુ વન વિભાગ સબ સલામત છે 24 કલાક રાઉન્ડ ધી કલોક હથીયારો સાથે પાંજરા, ટ્રેકટર સાથે ખડેપગે રહેવાના દાવાઓ કરી રહી છે. ત્યારે પોલંપોલ વાત પુરવાર થવા પામી છે. પરિવાર સાથે આવેલી 11 વર્ષની સગીરાને દિપડાએ ફાડી ખાતા મોત નોંધાયુ હતું. આ હુમલાથી પ્રવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. વહેલી સવારે બોરદેવી જંગલ વિસ્તારમાં જંગલ વિસ્તારમાંથી દિપડો છુપાતો છુપાતો આવી પાયલબેન રમતી હતી અને પરીવાર નજીકમાં સુતો હતો ત્યારે દિપડો પાયલબેનને ઉપાડી ગયો હતો.