વિશ્વના વિવિધ ભાગોમાં સંઘર્ષ ચાલી રહ્યો છે. ત્યારે થાઈલેન્ડના વડાપ્રધાને હિંદુ ધર્મને લઈને મોટુ નિવેદન આપ્યુ છે. થાઈલેન્ડના પીએમ શ્રેથા થવીસિને કહ્યું કે અશાંતિ સામે લડી રહેલી દુનિયાએ અહિંસા, સત્ય, સહિષ્ણુતા અને સંવાદિતાના હિંદુ મૂલ્યોમાંથી પ્રેરણા લેવી જોઈએ. તેનાથી જ વિશ્વમાં શાંતિ આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વમાં હિંદુઓની ઓળખ પ્રગતિશીલ અને પ્રતિભાશાળી સમાજ તરીકે સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે બેંગકોકમાં થર્ડ વર્લ્ડ હિંદુ કોંગ્રેસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન થવીસિન પણ ઉદ્ઘાટન સત્રમાં ભાગ લેવાના હતા. પરંતુ કોઈ કારણસર તેઓ મીટીંગમાં આવી શક્યા ન હતા. તેમના દ્વારા મોકલવામાં આવેલ સંદેશ આ બેઠકમાં વાંચવામાં આવ્યો હતો.
વધુમાં થાઈલેન્ડના વડાપ્રધાને કહ્યું કે હિંદુ ધર્મના સિદ્ધાંતો અને મૂલ્યો પર આયોજિત કરવામાં આવેલા વર્લ્ડ હિંદુ કોંગ્રેસની યજમાની કરવી આપણા દેશ માટે ગર્વની વાત છે. હિંદુઓની ઓળખ એક પ્રગતિશીલ અને પ્રતિભાશાળી સમાજ તરીકે વિશ્વમાં પ્રસ્થાપિત કરવાના હેતુથી આ ભવ્ય સંમેલન શરૂ કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે ‘ધર્મની જીત’ની ઘોષણા સાથે, પ્રખ્યાત સંત માતા અમૃતાનંદમયી, ભારત સેવાશ્રમ સંઘના સ્વામી પૂર્ણમાનંદ, આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલે, વીએચપીના મહાસચિવ મિલિંદ પરાંડે અને સંસ્થાપક-સુવિધાકાર સ્વામીએ વિજ્ઞાન સત્રની શરૂઆત કરી હતી.