કંગાલી અને ભુખમરાથી બેહાલ પાકિસ્તાનને ભારત તરફથી તગડો જવાબ મળવા છતાં પણ તેની હરકતોથી બાજ નથી આવી રહ્યુ.ભારતીય સીમા પર ભારતને નુકસાન પહોંચાડવાના અનેક કાવતરા પાકિસ્તાન કરતુ આવ્યુ છે.ત્યારે સીમા સુરક્ષા દળે પણ જડબાતોડ જવાબ આપ્યો છે.
BSFએ જાન્યુઆરી 2023થી ભારતીય ક્ષેત્રમાં ઘૂસેલા 69 પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા છે. આ ડ્રોન પૈકીના મોટા ભાગના ડ્રોન ચીની બનાવટના છે. સાથે જ બીએસએફ દ્વારા જે ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. તેના દ્વારા પાકિસ્તાની દાણચોરો દ્વારા ભારતમાં નાર્કોટિક્સ મોકલવામાં આવતા હતા. આ માહિતી બીએસએફએ આપી છે.
BSF દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આમાંના મોટાભાગના ડ્રોન ‘મેડ ઈન ચાઈના’ છે. ચાર રોટરવાળા વિવિધ મોડલના ડ્રોન ક્વાડકોપ્ટર ડિઝાઇનના છે. BSFએ આ વર્ષે 1 જાન્યુઆરીથી 31 ઓક્ટોબર વચ્ચે ભારતની પશ્ચિમી સરહદ પર પંજાબ,રાજસ્થાન અને જમ્મુ સરહદો પરથી પસાર થતા કુલ 69 આવા ડ્રોન જપ્ત કર્યા છે.
આ 69 ડ્રોનમાંથી 60 પંજાબ બોર્ડર પરથી અને નવ રાજસ્થાન બોર્ડર પરથી જપ્ત કરવામાં આવ્યા છે.
ઓક્ટોબરમાં પંજાબ બોર્ડર પરથી સૌથી વધુ 19 અને રાજસ્થાન બોર્ડર પરથી બે ડ્રોન પકડાયા હતા. જોકે, જૂનમાં 11 ડ્રોન જપ્ત કરવામાં આવ્યા હતા. મે મહિનામાં સાત, ફેબ્રુઆરી, જુલાઈ અને સપ્ટેમ્બરમાં છ-છ ડ્રોન પકડાયા હતા. ઓગસ્ટમાં પાંચ, માર્ચ અને એપ્રિલમાં ત્રણ-ત્રણ અને જાન્યુઆરીમાં એક ડ્રોન જપ્ત કર્યા હતા.
બીએસએફના એક અધિકારીએ જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં દાણચોરો 500 ગ્રામથી લઈને 1 કિલોગ્રામ સુધીના હેરોઈનના નાના પેકેટ આ ડ્રોન મારફતે ભારત મોકલે છે. રાત્રે આ ડ્રોન ઉડાડીને તેઓ સરળતાથી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી જાય છે.
BSFના જવાનો ઇનપુટના આધારે તરત જ સર્ચ ઓપરેશન શરૂ કરે છે. પાકિસ્તાની દાણચોરો ડ્રગ્સની દાણચોરી માટે ડ્રોનનો ઉપયોગ કરતા હતા, ખાસ કરીને ભારતના પંજાબ સરહદે આ માનવરહિત હવાઈ વાહનો (યુએવી) તરનતારન, અમૃતસર, ફિરોઝપુર, ગુરદાસપુર અને અબોહર જિલ્લામાંથી મળી આવ્યા હતા.