પાંચ રાજયની વિધાનસભા ચુંટણીમાં આજે હવે મહત્વના રાજસ્થાનમાં 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર સવારે 7 વાગ્યે મતદાન શરૂ થતા જ હિન્દી બેલ્ટમાં મહત્વના ત્રણ રાજયો મધ્યપ્રદેશ, છતીસગઢ અને રાજસ્થાનમાં તા.3ના મતદાનની રાહ જોવાશે. રાજસ્થાનમાં દર પાંચ વર્ષ સરકાર બદલાય છે અને તેની ‘રીવાજ’ યથાવત રહેશે કે વર્તમાન કોંગ્રેસ સરકાર તેને યથાવત રાખવામાં સફળ રહેશે તેના પર સૌની નજર છે. અહી ભાજપ અને કોંગ્રેસ પક્ષ વચ્ચે સીધી ટકકર છે
અને એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ તથા ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ સહિતના ભાજપના તમામ ટોચના દિગ્ગજ નેતાઓએ છેલ્લા એક પખવાડીયામાં ઝંઝાવાતી પ્રચાર કરીને ભાજપની જીત નિશ્ચીત કરવા પ્રયાસ કર્યો હતો તો બીજી તરફ તેની સામે સીધી ટકકર મુખ્યમંત્રી અને કોંગ્રેસના સીનીયર નેતા અશોક ગેહલોટે લીધી છે તથા આખરી સમયે સચીન પાઈલોટે તેની સાથે થયા હતા તો રાહુલ તથા પ્રિયંકા ગાંધીએ પણ પ્રચારની સતત ઉડાઉડથી રાજયમાં સતા જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હતો આજે પક્ષોએ ચુંટણી વિજયના દાવા કર્યા છે. ભાજપે મુખ્યમંત્રીના કોઈ ચહેરા વગર જ ચુંટણી લડી છે
તો કોંગ્રેસ અને વર્તમાન મુખ્યમંત્રી અશોક ગેહલોટને આગળ ધર્યા હતા. આ ચુંટણીમાં અશોક ગેહલોટ ઉપરાંત પુર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચીન પાઈલોટનું રાજકારણ દાવ પર લાગ્યુ છે તો ભાજપે અનેક સિનીયર સાંસદોને ટિકીટ આપીને મોટો દાવ ખેલ્યો છે. સવારે 10 વાગ્યા સુધીમાં રાજયમાં 10થી15% જેટલું મતદાન નોંધાયું હતું. સાંજે 6 વાગ્યા સુધીમાં 50થી60% મતો પડી જશે તેવા સંકેત છે. કરણપુર બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારનું નિધન થતા ત્યાં ચુંટણી યોજાઈ રહી નથી. કુલ 199 બેઠકો પર 5.25 કરોડ મતદાતા 1863 ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે.