ભારત નાગરિકોને 1 ડિસેમ્બરથી મલેશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી મળશે. આ માહિતી મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે આપી હતી. ભારતીય નાગરિકો મલેશિયામાં 30 દિવસ સુધી વિઝા ફ્રી રહી શકે છે.
મલેશિયાએ ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી આપવાની વ્યવસ્થા એટલા માટે કરી છે કે તેનાથી તેની આર્થિક પ્રવૃતિઓ વધી શકે. મલેશિયાએ પ્રવાસન દ્વારા તેની આર્થિક વૃદ્ધિ કરવા માટે આ નિર્ણય લીધો છે. કારણ કે ભારત અને ચીન બંને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધરાવતો દેશ છે. મલેશિયાના વડાપ્રધાન ઈબ્રાહિમને આશા છે કે આ પગલાથી તેમના દેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે. નોંધનીય છે કે મલેશિયા આવતા મોટાભાગના પ્રવાસીઓ ચીન અને ભારતના છે. વર્ષ 2023માં ભારતમાંથી 2.8 લાખ પ્રવાસીઓ જાન્યુઆરીથી જૂન વચ્ચે જ મલેશિયા પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી, ભારતીય અને તાઇવાનના પ્રવાસીઓએ ઇમિગ્રેશન ચેકપોઇન્ટ પર આગમન પર 15 દિવસના વિઝા માટે અરજી કરવી પડતી હતી. અગાઉ સપ્ટેમ્બરમાં તેણે ચીની નાગરિકો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત પણ કરી હતી. 2019 માં, મોટાભાગના લોકો થાઇલેન્ડની મુલાકાત લેવા ચીનથી આવ્યા હતા. થાઈલેન્ડના રેકોર્ડ 3.9 કરોડ પ્રવાસીઓમાંથી 1.1 કરોડ ચીનના પ્રવાસીઓ હતા.
બીજા કયાં દેશમાં ભારતની વિઝા ફ્રી એન્ટ્રી છે જાણો
જે દેશોમાં ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રીની સુવિધા આપવામાં આવી છે. તે દેશોમાં મલેશિયા, થાઈલેન્ડ, શ્રીલંકા, કુક આઈલેન્ડ, હૈતી, જમૈકા, મોંટેસેરાટ, કીટ્સ એન્ડ નેવિસ, ફઈજી, માઈક્રોનેશિયા, નિયુ, ભૂટાન, વનુઆટુ, ઓમાન, કતર, ત્રિનિદાદ, કજાકિસ્તાન, મકાઓ, નેપાળ, બારબાડોસ, બ્રિટિશ વર્જીન આઈલેન્ડ, ડોમીનિકા, ગ્રેનેડા, મોરિશસ, અલ સાલ્વાડોર, ટ્યુનિશિયા અને સેનેગલ સામેલ છે. વિશ્વના અલગ-અલગ દેશોના પાસપોર્ટના મૂલ્યનું આંકલન કરતી હેનલે ઈન્ડેક્સ અનુસાર, ભારતીય નાગરિક વગર વિઝાએ 57 દેશોની યાત્રા કરી શકે છે.