ભારતીય નૌકાદળમાં ‘અગ્નવીર’ તાલીમ લઈ રહેલી 20 વર્ષીય યુવતીએ મુંબઈમાં ‘આઈએનએસ હમલા’ ખાતે તેના હોસ્ટેલના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે કેરળની રહેવાસી મહિલા મલાડના પશ્ચિમી ઉપનગરમાં માલવાણી વિસ્તારમાં INS હમલા ખાતે તાલીમ લઈ રહી હતી.
તેમણે કહ્યું કે મહિલાએ સોમવારે સવારે હોસ્ટેલના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. અધિકારીએ જણાવ્યું કે સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી અને એવું લાગે છે કે મહિલાએ અંગત કારણોસર આત્મહત્યા કરી છે.
તેણે જણાવ્યું કે, પોતાની શરૂઆતની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ મહિલા છેલ્લા 15 દિવસથી આ સેન્ટરમાં ટ્રેનિંગ લઈ રહી હતી. પોલીસે આ કેસમાં અકસ્માત મોતનો અહેવાલ (ADR) નોંધ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.