બેંગ્લોરની લગભગ 15 શાળાઓને શુક્રવારે વહેલી સવારે એક ઈમેલ મળતા ફફડાટ મચી ગયો છે. આ ઇમેઇલમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેની જાણ થતા જ પોલીસ દોડતી થઇ છે. આ અરાજકતાના માહોલમાં પોલીસે તમામ સ્કૂલોમાં ડોગ સ્ક્વોડને સાથે રાખી તપાસ હાથ ધરી છે.પરંતુ હજુ સુધી કંઈ મળ્યું નથી. એવું લાગી રહ્યું છે કે તે ફેક કોલ છે, પોલીસે શોધ ચાલુ રાખી છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ, બેંગલુરુની ઘણી શાળાઓને સમાન ઇમેઇલ ધમકીઓ મળી હતી, પરંતુ તે બધી અફવાઓ સાબિત થઈ હતી. આ ધમકી ત્યારે પ્રકાશમાં આવી જ્યારે શાળાના સ્ટાફે સવારે તેમનો મેલ ચેક કરવા માટે તેમના ઈમેલ એકાઉન્ટ ખોલ્યા. જે બાદ સાવચેતીના પગલા તરીકે ધમકીઓ મેળવનાર શાળાઓમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારના નિવાસસ્થાનની સામે આવેલી એક પ્લે સ્કૂલને પણ બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો. બેંગલુરુ પોલીસ કમિશનર બી દયાનંદે કહ્યું કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ શાળા પરિસરમાં તપાસ કરી રહી છે.
બોમ્બની ધમકી મેળવનાર એક શાળાએ વાલીઓને સંદેશો મોકલ્યો હતો કે સુરક્ષાના કારણોસર બાળકોને ઘરે પાછા મોકલવામાં આવી રહ્યા છે. ચિંતિત વાલીઓ તેમના બાળકોને સુરક્ષિત રીતે ઘરે પાછા લાવવા માટે શાળા પરિસરની બહાર રાહ જોતા જોવા મળ્યા હતા. જો કે હાલ કોઇ બોમ્બ મળ્યો નથી…