ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે જેમાં ભાજપને એક્ઝિટ પોલથી વિપરીત જોરદાર સફળતા મળી છે, જ્યારે કોંગ્રેસે ફરી એક વખત નિરાશાજનક દેખાવ કર્યો છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ સરકાર બનાવવા જઈ રહ્યો છે જ્યારે તેલંગણામાં કોંગ્રેસનો વિજય થયો છે. પાંચમા રાજ્ય મિઝોરમમાં પણ ચૂંટણી થઈ હતી, પરંતુ ત્યાં સોમવારે મતગણતરી થશે. આજના વિજય પછી ભાજપમાં ભારે ઉત્સાહનો માહોલ છે કારણ કે લોકસભાની ચૂંટણી હવે માત્ર પાંચ મહિના દૂર છે. ભાજપે સ્પષ્ટ વિજય મેળવતા જ આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને મતદારોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, “અમે જનતા જનાર્દનને નમન કરીએ છીએ.”
અત્યારની સ્થિતિ પ્રમાણે મધ્ય પ્રદેશમાં ભાજપ 165 બેઠકો જીતી ગયો છે અથવા લીડ લીધી છે જ્યારે કોંગ્રેસના હાથમાં 64 બેઠકો છે. શિવરાજ સિંહ ચૌહાણ ફરી એક વખત લોકપ્રિય અને વિનર નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમની મહિલાઓ માટેની યોજનાઓ અસરકારક સાબિત થઈ છે. મધ્ય પ્રદેશમાં SP કે BSP ખાતું પણ ખોલાવી શક્યા નથી. મધ્યપ્રદેશમાં ભાજપને 56 બેઠકનો ફાયદો થયો છે જ્યારે કોંગ્રેસને 50 બેઠકોનું નુકસાન છે.
200 વિધાનસભા બેઠકો ધરાવતા રાજસ્થાનમાં બહુમતી માટે 100 બેઠકો જરૂરી હોય છે. રાજસ્થાનમાં ભાજપ 116 બેઠક જીત્યો છે અથવા લીડ મેળવી છે જ્યારે કોંગ્રેસના હાથમાં માત્ર 69 બેઠકો દેખાય છે. બીએસપીને બે બેઠકો મળી છે. રાજસ્થાનમાં ભાજપને ગઈ ચૂંટણીની તુલનામાં 43 બેઠકો પર ફાયદો થયો છે જ્યારે કોંગ્રેસે 31 બેઠકો ગુમાવી છે.
છત્તીસગઢમાં 90 બેઠકોમાં સરકાર બનાવવા માટે 46 બેઠકોની જરૂર હોય છે. અહીં ભાજપે 56 બેઠક જીતી છે અથવા લીડ મેળવી છે અને કોંગ્રેસના હાથમાં 34 બેઠક આવી છે. છત્તીસગઢમાં કોંગ્રેસને 34 બેઠકોનું નુકસાન છે જ્યારે ભાજપને 41 બેઠકોનો ફાયદો છે.
તેલંગણામાં કોંગ્રેસને જોરાદાર સફળતા મળી છે અને 68 બેઠકો જીતી લીધી છે અથવા લીડ મેળવી છે. તેલંગણામાં સળંગ બે વખતથી જીતનાર બીઆરએસને માત્ર 37 બેઠક મળી છે જ્યારે ભાજપ 6 બેઠક જીતી શક્યો છે.
મોદીની ગેરંટી ભારે પડી ગઈ, મહિલાઓના વોટ નિર્ણાયક બન્યા
આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે મન મૂકીને વચનો આપ્યા હતા. રેવડી વહેંચવામાં કોઈ પક્ષ પાછળ ન હતા. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોના દેવામાં માફી, સસ્તામાં ગેસ સિલિન્ડર, બેરોજગારી ભથ્થું, મહિલાઓ માટે રોકડ સહાય વગેરે વચનો આપ્યા હતા. મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણની ભાજપ સરકારે ‘લાડલી બહેન યોજના’ જાહેર કરી હતી જેમાં પાત્રતા ધરાવતી દરેક મહિલાને મહિને એક-એક હજાર રૂપિયાની સહાય કરવામાં આવી હતી. ત્યાર પછી આ રકમ વધારીને રૂ. 1250 કરવામાં આવી હતી. આગળ જતા આ રકમ વધારીને મહિને 3000 રૂપિયા કરવામાં આવશે તેવું વચન પણ અપાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસના વચનોને ‘મફતની રેવડી’ ગણાવતા હતા અને તેમણે આપેલા વચનોને મોદીની ગેરંટી તરીકે ઓળખાવતા હતા. મધ્ય પ્રદેશમાં ‘લાડલી બહેન યોજના’ ભાજપ માટે ગેમચેન્જર સાબિત થઈ છે તેવું માનવામાં આવે છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ મહિલા વોટર્સે ભાજપને વોટ આપ્યા હોય તેમ લાગે છે.
કોંગ્રેસને આંતરિક વિગ્રહ નડી ગયો
રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચાલતો હતો જે તેને ઘણો નડ્યો છે. છેલ્લા પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન રાજસ્થાનમાં સચિન પાઈલટ અને અશોક ગેહલોત વચ્ચે ખેંચતાણ ચાલતી હતી જ્યારે છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ અને ટી એસ સિંહ વચ્ચે ડખો હતો. ચૂંટણી અગાઉ કોંગ્રેસ હાઈકમાન્ડે આ બે રાજ્યોમાં આંતરિક કલેશ દૂર કરવા પ્રયાસ કર્યો પરંતુ ત્યાં સુધીમાં કોંગ્રેસમાં અંદરોઅંદર જૂથ બની ગયા હતા. ચૂંટણીના પરિણામોએ પણ સાબિત કર્યું છે કે કોંગ્રેસમાં મતભેદો હતા.
2024ની ચૂંટણીની તૈયારી પર અસર
આગામી વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે જેમાં ભાજપ હવે બમણા જોરથી કામે લાગી શકશે જ્યારે કોંગ્રેસમાં આંતરિક ડખા વધવાની શક્યતા દેખાય છે. જોકે, રાજ્યની ચૂંટણી અને કેન્દ્રની ચૂંટણીના મુદ્દા અલગ હોય છે તેથી આ રિઝલ્ટની અસર 2024ની લોકસભા ચૂંટણી પર પડશે કે નહીં તે અત્યારથી કહી ન શકાય. 2018માં ભાજપે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં હારનો સામનો કર્યો હતો જેમાં મધ્ય પ્રદેશમાં તેને સત્તા ઉથલાવીને પોતાની સરકાર બનાવવામાં સફળતા મળી હતી. પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે જબ્બરજસ્ત દેખાવ કર્યો હતો.
કર્ણાટક અને હિમાચલમાં વિજય પછી કોંગ્રેસ ભારે ઉત્સાહમાં હતી, પરંતુ આજે આવેલા રિઝલ્ટના કારણે તેણે આત્મમંથન કરવું પડશે. લોકસભાની ચૂંટણી અગાઉ વિરોધપક્ષોએ INDIA નામે ગઠબંધન બનાવ્યું છે જેમાં કોંગ્રેસનો હાથ ઉપર હતો, પરંતુ હવે બીજા પક્ષો પણ કોંગ્રેસને દબાવશે. તેલંગણાના રિઝલ્ટ કોંગ્રેસ માટે આશ્વાસનરૂપ જરૂર છે. તેલંગણામાં બીઆરએસ અને કેસીઆરને હેટટ્રિક મળતા અટકી ગઈ છે.