આજથી શરુ થયેલા સંસદના શિયાળુ સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકસભામાં આગમન સાથે જ ભાજપના સભ્યોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવીને પ્રચંડ વિજય બદલ અભિનંદન આપ્યા છે તથા બાદમાં ‘તીસરી બાર મોદી સરકાર’ના નારા પણ લાગ્યા હતા.
મોદી ગૃહની બેઠકના પ્રારંભે જ પહોંચ્યા હતા અને તેમને વધાવવા માટે ભાજપના સાંસદોએ જબરા સૂત્રોચ્ચાર કર્યા હતા અને વડાપ્રધાનને વધાવી લીધા હતા તથા તેમને અભિનંદન આપ્યા હતા.
જો કે બાદમાં તુર્તજ વિપક્ષોએ સંસદમાં હંગામો મચાવી દેતા લોકસભાની કાર્યવાહી એક કલાક માટે સ્થગીત કરી હતી. બીએસસી સાંસદ દાનીશ અલી એ ભાજપના સાંસદ રમેશ બીજુડી સામે કાર્યવાહીની માંગણી કરી હતી જે મુદે ધમાલ સર્જાતા જ ગૃહ મુલત્વી રહ્યા હતા.
સંસદના વર્તમાન સત્રમાં 29 જેટલા ખરડાઓ રજુ થશે. આ ઉપરાંત અનેક વિવાદાસ્પદ દરખાસ્તો પણ રજુ થનાર છે જેમાં ખાસ કરીને તૃણમુલ કોંગ્રેસના મહિલા સાંસદ મહુવા મોઈત્રાને તેના સાંસદ તરીકેના ઈમેલ આઈડી દુબઈ સ્થિત તેમના મિત્ર ઉદ્યોગપતિને આપવા અને તેના આધારે સંસદમાં પ્રશ્ન પૂછવાના મુદે સંસદીય સમીતીએ મોઈત્રાનું લોકસભાનું સભ્યપદ રદ કરવા ભલામણ કરી છે જે અંગે પણ નિર્ણય લેવાશે. આ ઉપરાંત પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીના પરિણામોનો પડઘો પણ ગૃહમાં પડશે.