નેપાળે ભારતીય સેનાની અગ્નિવીર યોજનામાં જોડાવાથી પોતાને દૂર રાખ્યા હતા.તો આ તરફ નેપાળના ગોરખા સૈનિકો મોટી સંખ્યામાં રશિયન સેનામાં જોડાઈ રહ્યા છે. પરંતુ નેપાળ હાલ મુશ્કેલમાં મુકાયુ છે. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ અને વિદેશ મંત્રાલયે ખુલાસો કર્યો છે કે યુક્રેનની સેના સાથે લડતા લડતા અત્યાર સુધીમાં નેપાળના 6 ગોરખા સૈનિકોના મોત થયા છે. તેમના મૃતદેહ પણ રશિયાથી આવી શક્યા નથી. એટલું જ નહીં, હિન્દુ હોવા છતાં આ સૈનિકોને ત્યાં જ દફનાવવામાં આવ્યા હતા.
જો કે આ પ્રકારના બનાવ બન્યા છતાં પણ નેપાળી ગોરખા સૈનિકોની રશિયા પહોંચવાનો સિલસિલો હજુ યથાવત છે. મોસ્કોમાં નેપાળ દૂતાવાસમાંથી પણ દરરોજ એક નાગરિકને પરત કરવામાં આવી રહ્યો છે. જ્યાં એક તરફ નેપાળી સૈનિકો રશિયા પહોંચી રહ્યા છે, તો બીજી તરફ નેપાળી સૈનિકોના મૃતદેહ પણ રશિયાથી પરત આવી શકતા નથી. તેના બદલે ઘણા નેપાળી સૈનિકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે.
તો આ તરફ નેપાળના વડાપ્રધાન પ્રચંડે ખુલાસો કર્યો છે કે હાલમાં ઘણા ગોરખા યુવાનો રશિયન સેનામાં સેવા આપી રહ્યા છે. જ્યારે કેટલાક યુક્રેનની સેનામાં પણ સેવા આપી રહ્યા છે. રશિયામાં નેપાળના રાજદૂત મિલન રાજ તુલાધરનો અંદાજ છે કે રશિયન સેનામાં કુલ 150 થી 200 ગોરખા સૈનિકો છે.નેપાળી રાજદૂતે કહ્યું કે દેશના યુવાનોને વધુ પૈસાની લાલચ આપવામાં આવી રહી છે.
આ પહેલા નેપાળના વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરતા કહ્યું હતું કે નેપાળી નાગરિકોએ યુદ્ધગ્રસ્ત દેશોમાં વિદેશી સેનામાં જોડાવું જોઈએ નહીં. રશિયામાં માર્યા ગયેલા નેપાળી ગોરખા સૈનિકોને તેમના દેશની જમીન પણ નસીબ નથી થઇ રહી. નેપાળી વિદેશ મંત્રાલયે કહ્યું કે માર્યા ગયેલા નેપાળી યુવાનોના મૃતદેહોને રશિયન સેનાએ ત્યાં દફનાવી દીધા છે. નેપાળે હવે રશિયા પાસે નેપાળી યુવકના દફનાવવામાં આવેલા મૃતદેહોને પરત મોકલવાની માગણી કરી છે જેથી હિંદુ રીતિ-રિવાજ મુજબ તેમના અંતિમ સંસ્કાર થઈ શકે.