રાજ્યમાં હવે શિયાળાની ઋતુ જામતી જાય છે. ત્યારે વહેલી સવારે શાળાએ જતા બાળકોના સ્વાસ્થયને લઇને દરેક વાલીઓ ચિંતિત હોય છે. ત્યારે બાળકોને યુનિફોર્મની સાથે ઘરેથી ગરમ કપડાંમાં વાલીઓ મોકલતા હોય છે. જો કે રાજ્યભરમાં અનેક શાળાઓની શાળા માંથી ખરીદાયેલા જ સ્વેટર બાળકોને પહેરાવવાની ફરજ પાડતા ફરિયાદ ઉઠી હતી. ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મનપસંદ ગરમ કપડાં ન પહેરવાને લઈને શાળાઓ દબાણ કરતી જોવા મળી છે.સ્કૂલનાં નિયમાનુસાર જ ગરમ કપડાં પહેરવા અંગેના બનાવો સામે આવ્યાં બાદ રાજ્ય શિક્ષણમંત્રી દ્વારા રાજ્યની તમામ શાળાઓને એક પરિપત્ર જાહેર કરી આદેશ આપવામાં આવ્યાં છે.પ્રાથમિક શિક્ષણ વિભાગે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે. રાજ્ય શિક્ષણ મંત્રીના આદેશ અનુસાર હવેથી રાજ્યની કોઈપણ શાળા વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારનાં ગરમ કપડાં પહેરવા ફરજ પાડી શકશે નહીં. હવેથી વિદ્યાર્થીઓ મનપસંદ ગરમ કપડાં પહેરી શકશે. શાળા તરફથી કોઈપણ પ્રકારનું દબાણ કરી શકશે નહિ…..
વડોદરામાં તાજેતરમાં જ એક શાળા દ્વારા બાળકોને શાળાએ નક્કી કરેલા કલરના બ્લેઝર ફરજિયાતપણે પહેરવાનાં નિયમો બનાવી રહ્યાં છે. એટલું જ નહીં સંચાલકો દ્વારા નક્કી કરાયેલી દુકાનમાંથી જ બ્લેઝર ખરીદવા ફરજિયાત નિયમો બનાવવામાં આવ્યાં હતાં. વાલીઓએ માંગ કરી કે બાળકોની અને વાલીઓની અનુકૂળતા પ્રમાણે સ્વેટર પહેરવાની મંજૂરી સ્કૂલોએ આપવી જોઈએ. સ્કૂલની આવી અવળચંડાઈ જોયા બાદ કોઇ પણ પ્રકારનું સ્વેટર બાળકો પહેરી શકે તેવો શિક્ષણાધીકારીનો પરિપત્ર રાજ્યની તમામ શાળાઓને મોકલવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં બાળકોને શાળાની પસંદગીના સ્વેટર પહેરવા પર દબાણ ન કરવુ, યુનિફોર્મ પ્રમાણે કોઈ ચોક્કસ ગરમ કપડાં પહેરવા દબાણ ન કરવા શાળાઓને આદેશ, વિદ્યાર્થીઓ કોઇપણ સ્વેટર,જેકેટ કે ગરમ કપડાં પહેરી શકશે, શાળાના યુનિફોર્મ સિવાયના ગરમ કપડાં પહેરતા વિદ્યાર્થીઓને ન રોકવા, શાળાઓ ચોક્કસ રંગ અને યુનિફોર્મવાળા ગરમ કપડાં પહેરવા વિદ્યાર્થીઓને દબાણ નહીં કરી શકે. જેવી તમામ બાબતો પરિપત્રમાં આવરી લેવાઇ છે.