કતારમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય ખલાસીઓને આગામી દિવસોમાં રાહત મળવાની શક્યતા છે. પહેલા તેમને કતાર દ્વારા કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવ્યું હતું. અને હવે કોર્ટમાં તેમના કેસની સુનાવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ગુરુવારે દોહાની એક કોર્ટમાં આ આઠ પૂર્વ નેવી ઓફિસરોનાં કેસની ત્રીજી સુનાવણી થઈ હતી. આગામી સુનાવણી ટૂંક સમયમાં થાય તેવી શક્યતા છે. કતારની અપીલ કોર્ટને કોઈપણ સામાન્ય વ્યક્તિ માટે અપીલ કરવા માટેનું સર્વોચ્ચ સ્થળ માનવામાં આવે છે. આવી અદાલતોમાં કેસ સંબંધિત તથ્યોની ફરી તપાસ કરવામાં આવતી નથી. આ અદાલતો માત્ર સંબંધિત કાયદાઓનું અર્થઘટન કરે છે.
તો આ તરફ કતારમાં જાસૂસીના કથિત આરોપોમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભૂતપૂર્વ નેવી અધિકારીઓ સાથે ભારતીય રાજદૂતે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ વિશે માહિતી આપતા કહ્યું હતું કે “આ કેસમાં બે સુનાવણી થઈ છે. અમે પરિવારો વતી અપીલ દાખલ કરી હતી. ત્યારથી 23 અને 30 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમે કેસને નજીકથી ફોલો કરી રહ્યાં છીએ અને દરેક અપડેટ પર નજર રાખી રહ્યાં છીએ.
ઉલ્લેખનીય છે કે કતારની કોર્ટે 26 ઓક્ટોબરે ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારીઓને ફાંસીની સજા સંભળાવી હતી. ત્યારે ભારતે કહ્યું હતું કે કતારનો નિર્ણય ચોંકાવનારો છે અને આ મામલે તમામ કાયદાકીય વિકલ્પોની શોધ કરવામાં આવી રહી છે. નવેમ્બરમાં, કતારના સત્તાવાળાઓએ ફાઇલ કરેલી અપીલ સ્વીકારી હતી. ભારત સરકારને આશા છે કે કોર્ટની આગામી સુનાવણી ટૂંક સમયમાં થશે.