વંદે ભારત ટ્રેનમાં પથ્થરમારા ઘટના સામે આવી છે. રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થર મારો થયો છે. મહત્ત્વની વાત એ છે આ ટ્રેનમાં રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ પ્રવાસ કરી રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે રાજકોટના બિલેશ્વર સ્ટેશન પાસે આ પથ્થરમારો થયો છે. ગત રાત્રિના 9 વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. ટ્રેન પર પથ્થર ફેંકીને કાચને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ સ્ટેશનના 4 કિલો મીટર પહેલા પથ્થરમારો કર્યો હતો.વંદેભારત ટ્રેનના C4 અને C5 કોચમાં કાચ ફૂટ્યા હતા. કોઈ મોટું નુકસાન નથી. કોઈને ઇજા પણ પહોંચી નથી.ટીમ બનાવી તપાસ કરવા આદેશ આપ્યો છે. આ વિસ્તારમાં ઘણી બધી ઝૂંપડપટ્ટીઓ આવેલી છે. ઘણી વખત આ વિસ્તારના બાળકો પથ્થરો ફેંકતા હોઈ છે. જેને લઈને જાગૃતતા માટે પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. સાથે જ તપાસ ટીમો તપાસ કરી રહી છે. પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વંદે ભારત ટ્રેનમાં એસ્કોર્ટ પણ હોય છે. જેના દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. આ અગાઉ પણ આવી રીતે પથ્થરો મારવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.
રાજ્યમાં વંદેભારત ટ્રેનમાં જાન્યુઆરીથી પથ્થરમારાની 7મી ઘટના
જાન્યુઆરી 2023 પછી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની આ સાતમી ઘટના છે
મે મહિનામાં કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો
6 એપ્રિલે વિશાખાપટ્ટનમમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થયો હતો.
આ પહેલા જાન્યુઆરીમાં વિશાખાપટ્ટનમમાં જ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો
12 માર્ચે પશ્ચિમ બંગાળમાં વંદે ભારત પર પથ્થરમારાની ઘટના બની હતી
મુર્શિદાબાદના ફરક્કામાં પણ પથ્થરમારાની ઘટના બની હતી
દાર્જિલિંગમાં પથ્થરમારાને કારણે વંદે ભારત એક્સપ્રેસની બે બારી તૂટી ગઈ હતી
હાવડાથી ન્યૂ જલપાઈગુડી જતી વંદે ભારત એક્સપ્રેસ પર માલદા પાસે પથ્થરમારો કરાયો હતો
ઉલ્લેખનીય છે કે દેશની પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસની મહત્તમ ઝડપ 160 કિમી પ્રતિ કલાક છે. આ ટ્રેન સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવી છે, જેમાં 80 ટકા ઉત્પાદનો સ્વદેશી છે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં જીપીએસ આધારિત માહિતી સિસ્ટમ, સીસીટીવી કેમેરા, વેક્યૂમ આધારિત બાયો ટોયલેટ, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર અને દરેક કોચમાં ચાર ઈમરજન્સી પુશ બટનનો સમાવેશ થાય છે.