મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ISIS આતંકી ષડયંત્ર કેસમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી NIAએ વહેલી સવારથી મોટી કાર્યવાહી હાથ ધરતા હડકંપ મચી ગયો છે. NIA દ્વારા દેશભરમાં 41 ઠેકાણાં પર દરોડા પાડવામાં આવ્યા હતા. જે બાદ 13 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.એજન્સીએ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 44 ઠેકાણે દરોડા પાડ્યા હતા અને સંદિગ્ધોની ધરપકડ કરી લીધી હતી.
મળતી માહિતી મુજબ આ મામલે 13 વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી છે. જોકે, તેમની ઓળખ હજુ સુધી સામે આવી શકી નથી. આ તમામ કુખ્યાત આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.
NIAએ મહારાષ્ટ્રમાં 43 અને કર્ણાટકમાં 1 જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. થાણે ગ્રામીણમાં 31, પુણેમાં બે, થાણે શહેરમાં 9, ભાયંદરમાં એક અને કર્ણાટકમાં એક-એક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.
તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ISIS સાથે જોડાયેલા એક નેટવર્કની શોધ થઈ છે. જે ભારતમાં ISISની વિચારધારા ફેલાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ સમગ્ર નેટવર્ક વિદેશમાં બેઠેલા હેન્ડલરો દ્વારા ચલાવવામાં આવતું હોવાનું પણ સામે આવ્યુ છે.
તેમનો ઉદ્દેશ્ય ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાનો હતો. આ લોકો ભારતમાં ISIS વિચારધારાથી પ્રભાવિત યુવાનોને પોતાના સંગઠનમાં સામેલ કરતા હતા. તેમને IED બનાવવાની તાલીમ પણ આપી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે.