સંસદના શિયાળુ સત્રમાં નવમા દિવસે સંસદની સુરક્ષામાં ચૂકને લઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંને ગૃહોની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ સાંસદો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અનુરાગ ઠાકુર સહિત અનેક મંત્રીઓ અને સાંસદો હાજર રહ્યા હતા. ત્યારે આજે શિયાળુ સત્ર દરમિયાન સંસદની સુરક્ષામાં ચૂકને લઈને આજે સંસદમાં ભારે હોબાળો થયો હતો. ભારે હોબાળાને જોતા, લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યે સ્થગિત કરવામાં આવી હતી.
તો આ તરફ સુરક્ષા એજન્સીઓ વધારે એલર્ટ બની ગઈ છે. અને આ મામલે સિક્યોરિટી સ્ટાફના 8ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ આજે સંસદની કાર્યવાહી શરૂ થતાં અંદર પ્રવેશતાં પહેલાં શૂઝ, ટોપી વગેરે કઢાવીને કડક ચેકિંગ કરાવવામાં આવ્યુ હતુ.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓએ સંસદની બહાર રેકી પણ કરી હતી. તમામ આરોપીઓ સોશિયલ મીડિયા પેજ ‘ભગત સિંહ ફેન ક્લબ’ સાથે જોડાયેલા હતા.
લગભગ દોઢ વર્ષ પહેલાં તમામ આરોપીઓ મૈસુરમાં મળ્યા હતા. આરોપી સાગર જુલાઈમાં લખનૌથી દિલ્હી આવ્યો હતો પરંતુ સંસદભવનમાં પ્રવેશી શક્યો ન હતો. 10 ડિસેમ્બરે એક પછી એક બધા પોતપોતાના રાજ્યોમાંથી દિલ્હી પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ ઘટનાના દિવસે તમામ આરોપીઓ ઇન્ડિયા ગેટ પાસે એકઠા થયા હતા. જ્યાં દરેકને કલર સ્પ્રેનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ સંસદની સુરક્ષા ભંગનો મુખ્ય ષડયંત્રકાર કોઈ બીજુ જ છે.
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંસદમાં સુરક્ષામાં ચૂકના મુદ્દે લોકસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, “ગઈકાલે બનેલી ઘટનાની બધા દ્વારા નિંદા કરવામાં આવી છે. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે.તો આ તરફ લોકસભા અધ્યક્ષે આ ઘટનામાં તપાસનો આદેશ આપ્યો છે. આપણા બધા સાંસદોએ સાવચેત રહેવાની જરૂર છે. આમ સંસદમાં અરાજકતા સર્જવી યોગ્ય નથી.