અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યુ છે. જેને લઇને દેશ-વિદેશોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. ત્યારે આ વચ્ચે રામભક્તો માટે સારા સમાચાર આવ્યા છે.અમદાવાદના એરપોર્ટથી અયોધ્યા સુધી નોન સ્ટોપ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફ્લાઈટનું સંચાલન 11 જાન્યુઆરીથી થશે.
ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેથી ભક્તોને અમદાવાદથી સીધા અયોધ્યા પહોંચવામાં સરળતા રહેશે. આ ડાયરેક્ટ ફ્લાઈટનું સંચાલન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી થશે. અને ફ્લાઈટનું ઉતરાણ અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ પર થશે. આ ફ્લાઈટ માટે ભક્તોએ મહત્તમ ભાડું 3999 જ ચૂકવવાનું રહેશે. ફ્લાઈટ ઓછામાં ઓછા 1 કલાક અને 50 મિનિટમાં લોકોને અયોધ્યા પહોંચાડી દેશે.
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને હવે થોડા જ દિવસો બાકી છે. રામલલ્લાની મંદિરમાં સ્થાપના કરવાને લઈને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાની મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરાશે. જેમાં ગુજરાતથી પણ અનેક સંતો-મહંતો અને ભક્તો અયોધ્યા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના એરપોર્ટથી અયોધ્યા સુધી નોન સ્ટોપ ફ્લાઈટની વ્યવસ્થા તેમને ખુબ જ ઉપયોગી રહશે.