મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો અને મહાનગરોમાં જન સુખાકારીના વધુને વધુ કામો દ્વારા નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિની નવી દિશા વિકસાવી છે.
મુખ્યમંત્રીએ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટનો ધ્યેય સાકાર કરવા આ હેતુસર રાજ્યના ત્રણ મહાનગરોને કુલ 424 વિવિધ જનહિતકારી વિકાસ કામો માટે સમગ્રતયા 483 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતી ઉજવણીના વર્ષ-2010માં શરૂ કરાવેલી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ત્રણ મહાનગરોને આ રૂ. 483 કરોડની રકમ ફાળવી છે. ઉપરાંત પાટનગર ગાંધીનગરની ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી-ગુડાને ભાઈજીપુરા થી ગિફ્ટસિટી તરફ જતા સિગ્નેચર બ્રિજ સુધીના રોડના કામો માટે ૨૦.૭૪ કરોડ રૂપિયાની ફાળવણીની મુખ્યમંત્રીશ્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
ગાંધીનગર-કોબા હાઈ-વે ને ગિફ્ટસિટી સાથે જોડતા આ મુખ્ય માર્ગની બેય તરફ વિવિધ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ કાર્યરત છે. નોલેજ હબ તરીકે આ વિસ્તાર ડેવલપ કરવાની હાલની પ્રગતિ હેઠળની કામગીરી ઉપરાંત મેટ્રો રેલની ભવિષ્યની ઉપલબ્ધિને ધ્યાનમાં લઇને આ રોડના ડેવલપમેન્ટ તેમજ બ્યુટિફિકેશન હેતુસર સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ખાસ કિસ્સામાં 20 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે
આગામી વાઇબ્રન્ટ સમિટ-2024 ગાંધીનગરમાં યોજાવાની છે ત્યારે મુખ્ય માર્ગોની બાજુમાં ફુટપાથ, લેન્ડ સ્કેપિંગ, ૩ ઓવરબ્રિજ અને ૨ અંડરપાસનું થીમ બેઇઝ્ડ પેઇન્ટિંગ અને આર્ટ વર્ક સહિતના પાંચ જેટલા આંતરમાળખાકીય વિકાસ કામો રૂ. ૩૫.૫૦ કરોડના ખર્ચે હાથ ધરવાની પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.
તો આ તરફ સુરતમાં સેન્ટ્રલ ઝોનમાં નાનપુરા અને નોર્થ ઝોનમાં કતાર ગામ વિસ્તારોમાં ઓડિટોરિયમ નિર્માણના 2 કામો માટે 145 કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ઉપરાંત આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો અન્વયે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝના 21 કામો, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝના 19 કામો અને અર્બન મોબિલિટીના બે કામો એમ 75 કામો માટે 151 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
આ બધા જ વિકાસકામો નગરો-મહાનગરોમાં લોન્ગ ટર્મ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટની નવી દિશા આપશે અને શહેરીજીવન વધુ સુવિધાયુક્ત બનશે.