વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇ સુરતીઓ પ્રેમ વરસાવવા આતુર બની રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી સુરતના મહેમાન બનવાના છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા સુરત શહેરમાં અલગ અલગ 6 પોઈન્ટ પર તેમના સ્વાગતની તૈયારી કરી દેવાઇ છે.
વડાપ્રધાન મોદી સુરત ખાતે આયોજિત બે વિવિધ કાર્યક્રમોમાં તેઓ વિશેષ રૂપથી હાજરી આપવાના છે. જેમાં સૌપ્રથમ 17 મી ડિસેમ્બરે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચશે. જે બાદ એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સુરત એરપોર્ટ થી તેઓ સીધા બાય રોડ ખજોદ સ્થિત ડાયમંડ બુર્સ જવા માટે રવાના થશે.જ્યાં ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યા બાદ દેશ-વિદેશથી આવેલા લોકોની વિશાળ જનમેદનીને સંબોધિત કરશે.
ક્યાં ક્યાં થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત ? જાણો
ઓએનજીસી બ્રિજ પાસે, ઓ.પી ફાર્મની સામે, મનભરી ફાર્મ પાસે કરાશે વડાપ્રધાનનું સ્વાગત
સુરત શહેરના રોડ મટીરીયલ ડેપો પાસે, ડાલમિયા ફાર્મ પાસે અને સીબી પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે પણ થશે સ્વાગત
ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં રત્નકલાકારો પણ વડાપ્રધાનને આવકારશે
પીએમ મોદીના આગમન વખતે સ્વાગત કરવા માટે 5 હજારથી વધારે કાર્યકરો હાજર રહેશે
વડાપ્રધાનની સુરક્ષાને લઇને સિક્યોરીટી સજ્જ કરાઇ છે. સુરત ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગના ઉદ્ઘાટન પ્રસંગે સુરત આવી રહેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે શહેર પોલીસના 3000 જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ,1800 હોમગાર્ડ સહિત 550 જેટલા ટીઆરબી જવાનો તૈનાત રહશે. સુરત એરપોર્ટ થી લઈ ડાયમંડ બુર્સ સુધી શહેર પોલીસનો લોખંડી બંદોબસ્ત તૈનાત રહેશે. પીએમ મોદીના બંને સ્થળો પરના આયોજિત કાર્યક્રમને લઈ શહેર પોલીસ દ્વારા”નો ડ્રોન ફ્લાય ઝોન “જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે બે જેટલા રૂટ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. વાહન ચાલકોને અગવડતા ના પડે તે માટે વૈક્લિપ રૂટ પણ જાહેર કરવામાં આવ્યા છે.પ્રધાનમંત્રી ના સુરત આગમનને લઈ શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વો ઉપર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે સુરત શહેર પોલીસ સંપૂર્ણ રૂપથી સજ્જ છે.