અયોધ્યામાં નિર્મિત રામમંદિરમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસો હવે નજીક આવી રહ્યા છે. ત્યારે રોજે રોજ તેને લઇને તસ્વીરો સામે આવી રહી છે. જે રામ ભક્તોમાં વધુ આતુરતા અને ઉત્સુક્તા જન્માવી રહી છે. ફરી એક વાર રામજીના પાદુકાની તસ્વીર સામે આવી છે.મહત્વનું છે કે આ પાદુકા 1 કિલો સોનુ અને 7 કિલો ચાંદીમાંથી તૈયાર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અયોધ્યાના શ્રી રામ મંદિરની આ ચરણ પાદુકા હૈદરાબાદના ચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ 1 કિલો સોના અને 7 કિલો ચાંદીથી તૈયાર કરી છે. આ ચરણ પાદુકામાં કિંમતી રત્નોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. અમદાવાદ પહોંચેલી આ પાદુકાને બાલાજી મંદિરના ટ્રસ્ટી કે. સુબ્બારાયુડુએ તેને પોતાના માથા પર મૂકીને મંદિરની અંદર લઈ ગયા હતા. અને શ્રી બાલાજી મંદિરના પંડિતોએ આ શ્રી રામજીની પાદુકાઓની વિશેષ પૂજા કરી હતી. આ પછી અનેક ભક્તોએ શ્રી રામ પાદુકાના દર્શન કર્યા હતા. કેટલાક ભક્તોએ તેને માથે ચઢાવવાનો લ્હાવો પણ મેળવ્યો હતો.
મળતી માહિત મુજબ ચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ આ શ્રી રામ પાદુકાઓ સાથે 41 દિવસ સુધી અયોધ્યાની પરિક્રમા કરી હતી. તે પછી, છેલ્લા બે વર્ષથી, આ પાદુકાઓને રામેશ્વરમથી બદ્રીનાથ સુધીના તમામ પ્રખ્યાત મંદિરોમાં લઈ જવામાં આવી રહી છે. અને વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. હવે આ ચરણ પાદુકા અમદાવાદથી સોમનાથ, દ્વારકા લઈ જવામાં આવશે. જ્યાંથી આ ચરણ પાદુકા બદ્રીનાથ મંદિર પહોંચશે. ત્યાર બાદ આ ચરણ પાદુકા અયોધ્યાના શ્રી રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.