લોકસભામાં વિપક્ષી સાંસદોએ કરેલા હોબાળા પર આસને આજે કડક પગલાં લેતા 31 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે. સ્પીકરે વિપક્ષી સાંસદોના પ્લેકાર્ડ બતાવવા માટે આ કાર્યવાહી કરી છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીનો પણ સમાવેશ થાય છે. અધ્યક્ષે તમામ સાંસદોને શિયાળુ સત્રના બાકીના કામકાજના દિવસો માટે સસ્પેન્ડ કરી દીધા છે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. આ પછી અધ્યક્ષએ આ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે 13 સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ રીતે અત્યાર સુધીમાં 44 વિપક્ષી સાંસદોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ લોકસભાની કાર્યવાહી મંગળવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. નોંધનીય છે કે સ્પીકર ઓમ બિરલાએ તમામ સભ્યોને ગૃહમાં પ્લેકાર્ડ ન લાવવાની વિનંતી કરી હતી. પરંતુ વિપક્ષી સાંસદો સંસદની સુરક્ષામાં ક્ષતિના મુદ્દે સતત સીટની સામે પ્લેકાર્ડ બતાવી રહ્યા હતા.
સરકારની આ કાર્યવાહી બાદ વિપક્ષ આકરા પાણીએ થઇ હતી. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે સરકારનું કામ ગૃહ ચલાવવાનું છે. અમને સસ્પેન્ડ કરીને અમારો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. તે જ સમયે, કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે સરકાર અમારો અવાજ દબાવવા માંગે છે. તેમણે કહ્યું કે સરકાર ગૃહમંત્રી અમિત શાહને બચાવવા માંગે છે.