અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ સુરત રામમય બન્યુ છે. સુરતમાં 50 લાખનો હિરા જડિત હાર, અને રામમંદિરની વિશાળ રંગોળી બાદ હવે લાકડામાંથી આબેહુબ રામમંદિર બનાવવામાં આવ્યા છે. જેની મોટા પાયે માંગ વધી છે. રામમંદિરની ઘરે ઘરે સ્થાપના થાય તે હેતુથી સુરતમાં લાકડાની પ્લાયમાંથી અનોખા મંદિર બનાવવામાં આવી રહ્યાં છે. રોજના 70 જેટલા મંદિરની ડિમાન્ડ હોવાથી 30 બહેનો દ્વારા 100 જેટલા મંદિર લગભગ 500 પાર્ટને જોડીને બનાવવામાં આવી રહ્યાં છે.
લાકડામાંથી રામમંદિર બનાવનાર વેપારીનું કહેવુ છે કે જ્યારથી અયોધ્યા મંદિરની ફાઈનલ ડિઝાઈન તૈયાર થઈ અને થ્રીડી ઈમેજ સામે આવી ત્યારથી અમે આ પ્રકારનું મંદિર બનાવવા ઈચ્છા હતાં. જેને અમે લેસર કટિંગ સહિતના 500 ટુકડા બનાવીને મંદિરનું નિર્માણ લાકડામાંથી સુરતમાં જ તૈયાર કર્યું છે. રામમંદિરની જેમ ગર્ભગૃહ, સભામંડપ, ગુંબજ, ત્રણેય દિશાના દ્વાર સહિતની આબેહૂબ પ્રતિકૃતિ લાકડામાંથી બનાવવામાં આવી છે.
મહત્વનું છે કે આ મંદિર આબેહૂબ રામમંદિર જેવું જ બનાવવાનો પ્રયાસ કરાયો છે. તેને વૂડન કલરમાં જ તૈયાર કરાયુ છે. હનુમાનજીની મૂર્તિની સાથે અયોધ્યાનું મંદિર જ લાગે તે પ્રકારે પાંચ સાઈઝમાં મંદિર બનાવ્યું છે. જેમાં સૌથી નાની સાઈઝ 4*6 ઈંચથી લઈને 4*6 ફૂટ સુધીના મંદિર તૈયાર કરાયા છે. જેનું વજન 500 ગ્રામથી લઈને 30 કિલો સુધીનું છે. મંદિરના સ્કેલ પ્રમાણે તથા ડિઝાઈન પ્રમાણે મંદિર બન્યું છે. કોઈ કલરનો ઉપયોગ થતો નથી જેથી 100 વર્ષ જેટલા સમય સુધી એમડીએફ પાઈનવૂડની પ્લાયની ચમક અકબંધ રહે છે.
મંદિરનું વેચાણ કરનાર વેપારીનું કહેવું છે કે અત્યાર સુધીમાં 5 હજાર જેટલા મંદિર બનીને લોકોને આપી દેવામાં આવ્યાં છે. લોકો ગીફ્ટ આપવા માટે પણ આ મંદિર લઈ જાય છે. ઉત્તરપ્રદેશ સહિતના બહારના રાજ્યોમાંથી પણ ઓનલાઈન ઓર્ડર મળી રહ્યાં છે. સાથે જ 1 લાખ જેટલા મંદિર બનાવવાનો અમારો ધ્યેય છે. આ મંદિરના વેચાણમાંથી થનારી આવક અમે જરૂરિયાતમંદોને ભોજન કરાવવામાં વાપરીએ છીએ.