વિપક્ષના 143 સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં ગુરુવારે વિપક્ષે સંસદમાં પગપાળા કૂચ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં સંસદથી વિજય ચોક સુધી આ વિરોધ માર્ચ કાઢવામાં આવી રહી છે. કૂચ દરમિયાન વિપક્ષી સાંસદોએ હાથમાં મોટું બેનર પકડ્યું હતું, જેના પર ‘સેવ ડેમોક્રેસી’ લખેલું હતું. વિપક્ષી સાંસદોએ તેમના સસ્પેન્શનને ગેરબંધારણીય ગણાવીને સત્તાધારી ભાજપ પર લોકશાહીમાં વિશ્વાસ ન હોવાનો આક્ષેપ કર્યો છે.
ખડગેએ કહ્યું- વિપક્ષની ગેરહાજરીમાં મહત્વપૂર્ણ બિલ પસાર કરવામાં આવ્યા
રેલી દરમિયાન, રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેએ જણાવ્યું હતું કે લગભગ બે તૃતીયાંશ વિપક્ષી સાંસદોને ગૃહમાંથી સસ્પેન્ડ કર્યા પછી સરકારે દેશમાં ગુનાહિત કાયદાઓને બદલવા માટે 3 નવા બિલ પસાર કર્યા છે અને આ દર્શાવે છે કે ભાજપ લોકશાહીમાં વિશ્વાસ નથી. તેમણે કહ્યું, “અમે લોકસભાના અધ્યક્ષ, રાજ્યસભાના અધ્યક્ષને વારંવાર વિનંતી કરી રહ્યા છીએ કે અમને સંસદની સુરક્ષા ભંગ પર બોલવાની મંજૂરી આપો.”