2024ના માર્ચ મહિના સુધી હાઈવે પર મોટા ફેરફાર થવાની શક્યતા છે. સરકાર જીપીએસ-બેસ્ડ ટોલ કલેક્શન સિસ્ટમ લાવવાની યોજના બનાવી રહ્યા છે. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નિતિન ગડકરીએ પોતે તેની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે હાઈવે ટોલ પ્લાઝાની હાલની વ્યવસ્થાને બદલવા માટે સરકાર આવનાર વર્ષ માર્ચ સુધી જીપીએસ બેઇઝ્ડ ટોલ ટેક્સ કલેક્શન સિસ્ટમ સહિત નવી ટેકનોલોજી રજુ કરશે.
વધુમાં તેમણે કહ્યુ કે “સરકાર દેશમાં ટોલ પ્લાઝા સર્વિસને બદલવા માટે જીપીએસ બેઇઝ્ડ ટોલ ટેક્સ કલેક્શન સિસ્ટમ સહિત ઘણી ટેક્નોલોજી લાવવા પર મંથન કરી રહ્યા છે. અમે આવતા વર્ષે માર્ચ સુધી દેશભરમાં નવી જીપીએસ-આધારિત ટોલ કલેક્શન શરૂ કરી દઈશું.”
ગડકરીએ કહ્યું કે, “માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય વાહનને રોક્યા વગર ઓટોમેટિક ટોલ કલેક્શનને સક્ષમ બનાવવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ ઓળખ સિસ્ટમ ચલાવશે. તેમણે ઉમેર્યુ કે વર્ષ 2018-19 વખતે ટોલ પ્લાઝા પર વાહનોને સરેરાશ આઠ મિનિટની રાહ જોવી પડતી હતી. વર્ષ 2020-21 અને વર્ષ 2021-22માં ફાસ્ટેગ વ્યવસ્થા લાગુ થવાથી આ સમય ઘટીને ફક્ત 47 સેકન્ડ થઈ ચુક્યો છે. અમુક જગ્યાઓ પર ખાસકરીને શહેરોની પાસે વધારે વસ્તી વાળા વિસ્તારોમાં ટોલ પ્લાઝા પર વેટિંગ સમયમાં ખૂબ જ સુધાર થયો છે. છતાં વધારે ભીડના કારણે આ સમય વધી જાય છે.