Apple અમેરિકામાં પ્રતિબંધિત તેની કેટલીક વૉચનું વેચાણ ફરી શરૂ કરવા જઈ રહ્યું છે. એપલ વોચની બ્લડ ઓક્સિજન સેન્સર ટેક્નોલોજીને લઈને મેડિકલ ટેક્નોલોજી કંપની માસિમો સાથે ચાલી રહેલા વિવાદને કારણે ઈન્ટરનેશનલ ટ્રેડ કમિશન (ITC) એ સિરીઝ 9 અને અલ્ટ્રા 2 વેરિઅન્ટ ઘડિયાળોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, હવે ITCએ આ ઘડિયાળોના વેચાણ પર લાદવામાં આવેલ પ્રતિબંધને અસ્થાયી ધોરણે હટાવી લીધો છે.
માસિમો અને એપલ વચ્ચે શું છે વિવાદ?
માસિમોનો દાવો છે કે એપલ વોચ અલ્ટ્રા 2 અને વોચ 9 સીરીઝમાં જોવા મળેલ બ્લડ ઓક્સિજન ફીચર તેની પેટન્ટનું ઉલ્લંઘન કરે છે. આ વિવાદ અંગે, ITCએ ઓક્ટોબરમાં માસિમોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને આવી એપલ વૉચના વેચાણ પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું હતું. પેટન્ટ વિવાદોથી બચવા માટે Apple ટૂંક સમયમાં આ ઘડિયાળોમાં કેટલાક ફેરફાર કરી શકે છે. આ ફેરફાર બાદ ITC આ મામલે 12 જાન્યુઆરીએ નિર્ણય લેશે.
ગ્રાહકો ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે ઘડિયાળો ખરીદી શકશે
Appleએ 21 ડિસેમ્બરથી ઓનલાઈન ગ્રાહકોને સિરીઝ 9 અને અલ્ટ્રા 2 વેરિઅન્ટ ઘડિયાળોનું વેચાણ સ્થગિત કરી દીધું હતું અને 24 ડિસેમ્બરથી તેના સ્ટોર્સ પરથી. જો કે, હવે પ્રતિબંધને હંગામી ધોરણે હટાવવાને કારણે, કંપની ટૂંક સમયમાં જ તેની ઘડિયાળો અમેરિકામાં ઑફલાઇન અને ઑનલાઇન બંને રીતે વેચવાનું શરૂ કરશે. જણાવી દઈએ કે આ પ્રતિબંધથી તે ઘડિયાળોના વેચાણ પર અસર પડી હતી, જે બ્લડ ઓક્સિજન માપવાની સુવિધા સાથે આવે છે.