કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં છેલ્લા કેટલાક મહિનામાં હિન્દુ મંદિરો પર અનેક હુમલા થયા છે. આ હુમલાથી દેશમાં સાંપ્રદાયિક તણાવ પણ વધ્યો છે. હવે આ સંબંધમાં કાર્યવાહી કરતા કેનેડા પોલીસે 41 વર્ષના જગદીશ પંઢેરની ધરપકડ કરી છે. પંઢેર ગ્રેટર ટોરોન્ટો વિસ્તારના બ્રેમ્પટનમાં રહે છે. તેની સામે પહેલાથી જ ઘણા આરોપોમાં કેસ ચાલી રહ્યા છે અને હાલમાં તે જામીન પર બહાર હતો. ગત વર્ષે પણ તેણે કેટલાક ધાર્મિક સ્થળોને નિશાન બનાવ્યા હતા. પોલીસનું કહેવું છે કે સુરક્ષા સર્વેલન્સે 8 ઓક્ટોબરે એક વ્યક્તિને હિંદુ મંદિરમાં પ્રવેશતા જોયો હતો.
આ પછી તે મંદિરને નુકસાન પહોંચાડે છે અને ત્યાં રાખેલી દાનપેટીમાંથી મોટી રકમ લઈને નીકળી જાય છે. ફૂટેજમાં તે મંદિર જઈ રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. આ પછી જ્યારે તપાસ આગળ વધી તો સામે આવ્યું કે એક જ વ્યક્તિએ અનેક મંદિરોમાં આવી જ ઘટનાઓ કરી છે. તેણે ડરહામ અને ગ્રેટર ટોરોન્ટોના ઘણા મંદિરોમાં સમાન કૃત્યો કર્યા હતા. પોલીસનું કહેવું છે કે આ ઘટનાઓ ભલે મંદિરોમાં બની હોય, પરંતુ તેને હેટ ક્રાઇમ કે નફરતના કારણે આચરવામાં આવેલી ઘટનાઓ કહી શકાય નહીં. સપ્ટેમ્બરથી ઓન્ટારિયોમાં ઓછામાં ઓછા છ મંદિરોને નુકસાન થયું છે.
હિન્દુ સમુદાય સતત આ મુદ્દાને ઉઠાવી રહ્યો છે. અત્યાર સુધી જે મંદિરોને નુકસાન થયું છે તેમાં પિકરિંગમાં દેવી મંદિર, એજેક્સમાં સંકટ મોચન મંદિર અને ઓશાવામાં હિન્દુ મંદિરનો સમાવેશ થાય છે. આ સિવાય ગ્રેટર ટોરોન્ટોમાં પણ ત્રણ મંદિરો પર હુમલાની ઘટનાઓ સામે આવી છે. આવી કેટલીક ઘટનાઓ 2021માં પણ બની હતી. આવા કુલ 18 કેસ નોંધાયા છે. અગાઉ માર્ચ 2022માં પણ પોલીસે હિન્દુ મંદિરો પર હુમલાના કેસમાં 4 લોકોની ધરપકડ કરી હતી.
જગદીપ પંઢેર માર્ચમાં પોલીસે ધરપકડ કરેલા લોકોમાંથી એક હતો. આ સિવાય ગુરશરનજીત ઢીંડસા, પરમિંદર ગિલ અને ગુરદીપ પંઢેરની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોએ મોટાભાગે હિંદુ મંદિરોને નુકસાન પહોંચાડ્યું હતું, જૈન મંદિરો અને ગુરુદ્વારાઓમાં તોડફોડ અને લૂંટ પણ કરી હતી.