અબુધાબીમાં નવનિર્મિત બીએપીએસ સ્વામી નારાયણ મંદિરના ઉદ્ધાટન સમારંભમાં ઉપસ્થિત રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાવભિનુ આમંત્રણ આપવામાં આવ્યુ છે. BAPS સ્વામિનારાયણ સંસ્થા તરફથી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીજી અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીએ ગુરુવર્ય મહંત સ્વામીજી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મંદિરના ઉદ્ઘાટન માટે ખાસ ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું.
સંયુક્ત આરબ અમીરાત UAEની રાજધાની અબુ ધાબીમાં પ્રથમ ભવ્ય હિન્દુ મંદિર ખુલવા જઈ રહ્યું છે. આ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન આવતા વર્ષે 14 ફેબ્રુઆરીએ યોજાશે. આ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.
અબુધાબીના હિંદુ મંદિરના ડેલિગેટ્સએ પીએમ મોદી સાથે લગભગ એક કલાક સુધી વાતચીત કરી હતી.જેમાં વૈશ્વિક સંવાદિતા માટે હિન્દુ મંદિરોના મહત્વ અને વૈશ્વિક મંચ પર ભારતના આધ્યાત્મિક નેતૃત્વના તેમના વિઝનની પણ ચર્ચા કરવામાં આવી હતી.
મહત્વનું છે કે અબુધાબીનું આ પહેલું હિંદુ મંદિર છે. જે અલ વકબા સ્થાન પર 20,000 ચોરસ મીટરની જમીન પર નિર્માણ કરવામાં આવ્યુ છે. આ મંદિરને આધુનિક શૈલીમાં બનાવવામાં આવ્યું છે. પ્રાચીન કલા અને આધુનિક સ્થાપત્યના સમન્વયથી બનેલા આ મંદિરનું નક્શીકામ અજોડ છે.
મંદિરની વેબસાઇટ અનુસાર, આ મંદિર કલાકારો દ્વારા પરંપરાગત હાથથી કોતરેલા પથ્થરોથી બનાવવામાં આવ્યુ છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.