બિહારમાં આ સમયે જોરદાર રાજકીય ગતિવિધિ ચાલી રહી છે. રાષ્ટ્રીય જનતા દળ RJDના ધારાસભ્ય ફતેહ બહાદુર કુશવાહાએ આ બળતામાં ધી હોંમવાનું કામ કર્યુ છે. આરજેડી ધારાસભ્ય ફતેહ બહાદુરના બોલ બગડ્યા છે. હિંદુ ધર્મની એક દેવી વિશેની તેમની વાંધાજનક ટિપ્પણીથી ખળભળાટ મચી ગયો છે.
દેહરીના આરજેડી ધારાસભ્ય ફતેહ બહાદુર કુશવાહાએ માતા સરસ્વતીને ચારિત્રહીન ગણાવ્યા છે. સનાતન ધર્મમાં માતા સરસ્વતીને જ્ઞાનની દેવી તરીકે પૂજવામાં આવે છે. ફતેહ બહાદુર કહે છે કે માતા સરસ્વતી ચારિત્રહીન છે અને તેથી તેમની પૂજા ન કરવી જોઈએ.
એટલુ જ નહિ ફતેહ બહાદુરે બફાટ કરતા કહ્યુ કે બ્રહ્માજીએ તેમની દિકરી સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન તેણે મીડિયા સાથે વાત કરતા કહ્યું, “તમારા જ ધર્મગ્રંથમાં લખ્યું છે કે સરસ્વતી બ્રહ્માની પુત્રી છે. બ્રહ્માજીનો પોતાની પુત્રી પ્રત્યે ખરાબ ઈરાદો હતો અને તેમણે સરસ્વતી સાથે લગ્ન કર્યા.” આરજેડી ધારાસભ્ય આટલેથી પણ અટક્યા નહીં. તેમણે કહ્યું કે શાળા-કોલેજોમાંથી સરસ્વતીની તસવીર હટાવીને સાવિત્રીબાઈ ફૂલેની તસવીર લગાવવી જોઈએ. તેની પૂજા કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે ફતેહ બહાદુર કુશવાહાએ પહેલીવાર આવી ટિપ્પણી કરી નથી. આ પહેલા પણ તેઓ હિંદુ દેવી-દેવતાઓને નિશાન બનાવતા આવ્યા છે. તેમણે થોડા સમય પહેલા કહ્યું હતું કે દેવી દુર્ગા અને દેવીની વાર્તા કાલ્પનિક છે. અંગ્રેજોએ ભારતને ગુલામ બનાવ્યું ત્યારે ભારતની વસ્તી 30 કરોડ હતી. ત્યારે દેવી દુર્ગાના શસ્ત્રો ક્યાં હતા, તેમણે અંગ્રેજોને કેમ માર્યા નહીં.