અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઇ રહી છે. તેવામાં બીજી તરફ કર્ણાટકમાં રામ મંદિરના મુદ્દા સાથે જોડાયેલા 31 વર્ષ જૂના મામલાને લઈને હોબાળો શરૂ થયો છે. વાત એવી છે કે રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા એક કાર સેવકની 31 વર્ષ જૂના કેસમાં ધરપકડ કરાઇ છે. આ કાર્યવાહી બાદ ભાજપે હવે કર્ણાટક સરકાર સામે મોરચો માંડ્યો છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ સરકાર જાણી જોઈને કાર સેવકોને મુશ્કેલીમાં મુકી રહી છે. જેને લઇ ભાજપ આવતીકાલે એટલે કે 3જી જાન્યુઆરીએ બેંગલુરુમાં આ ધરપકડનો વિરોધ કરશે.
ઉલ્લેખનીય છે કે 1992માં બાબરી મસ્જિદ ધ્વસ્ત થયા બાદ કર્ણાટકના હુબલીમાં દેખાવો થયો હતો. આ હિંસામાં 50 વર્ષના કારસેવક શ્રીકાંત પૂજારીને પણ આરોપી બનાવાયો હતો. આ કેસમાં જ પુજારીની 31 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ સામે વિરોધ વ્યક્ત કરતા ભાજપે પૂજારી સામેની કાર્યવાહીને ખોટી ગણાવી છે. ભાજપે કહ્યું છે કે જેમણે SDPI અને PFI ને મુક્ત કર્યા છે તેઓ 31 વર્ષ પછી જાણીજોઈને રામ ભક્તની હેરાનગતિ કરી રહ્યા છે. કારણ કે રામ મંદિર તેમની આંખોમાં ખટકી રહ્યુ છે. ત્યારે હવે ભાજપ આવતીકાલે સમગ્ર કર્ણાટકમાં દેખાવો કરશે.
ઉલ્લેખનીય છે કે આ કેસ લાબા સમયથી પડતર છે. જે પછી આ મામલો ઉકેલી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે 30-30 વર્ષ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે યારે આરોપી પર રમખાણોમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો ત્યારે તે 20 વર્ષનો હતો. આ મુદ્દે ભાજપના વરિષ્ઠ નેતા સીટી રવિએ જણાવ્યુ કે કોંગ્રેસને રામ મંદિરને લઈને સમસ્યા છે. તેમનું માનવું હતું કે રામનું અસ્તિત્વ નથી તે ફક્ત કાલ્પનિક પાત્ર છે.
તો આ તરફ કર્ણાટક બીજેપી ચીફ બી વાય વિજયેન્દ્રએ કહ્યું છે કે કોંગ્રેસ સરકારે 30 વર્ષ જૂના કેસમાં એક હિન્દુ કાર્યકર્તાની ધરપકડ કરી તે અયોગ્ય છે. શ્રીકાંત પૂજારીને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. વધુમાં તેમણે કહ્યુ કે આ દુઃખદ ઘટના છે. લોકો રામ મંદિર માટે પ્રાર્થના કરી રહ્યા છે અને કર્ણાટક સરકારે એક હિન્દુ ભક્તની ધરપકડ કરી છે.