આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગેની સ્પર્ધા સતત વધી રહી છે. ઓપન AIના જનરેટિવ AI ચેટજીપીટી પછી મોટી કંપનીઓ પણ AIની રેસમાં આગળ વધી રહી છે. ગૂગલ અને માઈક્રોસોફ્ટ જેવી ટેક જાયન્ટ્સ પછી વિશ્વની સૌથી મોટી લિસ્ટેડ કંપની એપલ હવે AIને લઈને રેસમાં આવી ગઇ છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે iPhone અને iPad જેવા ઘણા સારા ઉત્પાદનો વેચતી ટેક કંપની Appleએ હવે ChatGPT જેવું પોતાનું જનરેટિવ AI તૈયાર કર્યું છે.
મળતી માહિતી મુજબ એપલએ પહેલાથી જ ChatGPT જેવી સુવિધા વિકસાવી લીધી છે. જેની મદદથી એપલના કર્મચારીઓએ નવી સુવિધાઓનું પરીક્ષણ કરી રહ્યા છે. ટેક્સ્ટની સમરી તૈયાર કરી રહ્યા છે. અને હમણાં સુધીના શીખેલા ડેટાના આધારે પ્રશ્નોના જવાબ તૈયાર કરી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે એપલના જનરેટિવ AI વિકસાવવાના સમાચાર હેડલાઇન્સ બની રહ્યા છે. આ પહેલા ગત વર્ષના જુલાઈમાં પણ આવા સમાચાર આવ્યા હતા.જેથી લોકોને ખબર પડી છે કે એપલ તેના AI મોડલ પર કામ કરી રહી છે. એક રિપોર્ટ મુજબ Appleનું આ લાર્જ લેંગ્વેજ મોડલ અથવા LLM Ajax નામના નવા ફ્રેમવર્ક પર તૈયાર કરાયું છે.
કેટલાક અન્ય સમાચારોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એપલે તેના જનરેટિવ AIને તાલીમ આપવા માટે ઘણી મોટી સમાચાર અને કન્ટેન્ટ કંપનીઓ સાથે વાતચીત શરૂ કરી છે. આ માટે કંપની લાંબા સમય માટે કરાર કરી શકે છે. સાથે જ 50 મિલિયન ડોલરથી વધુની ચૂકવણી કરી શકે છે.એપલ ઇચ્છે છે કે તેની સાથે ડીલ કરતી ન્યૂઝ કંપની તેને તેના સમાચાર લેખોના આર્કાઇવનું પણ એકસેસ આપે.