ભાગ્યે જ કોઇ વ્યક્તિ હશે કે જે વોટ્સએપનો યુઝના કરતું હોય…તો આ તરફ બહુ ઓછા લોકો હશે જેમને વોટ્સએપ સંબંધિત નિયમો વિશે જાણતા હોય. ત્યારે એક ભૂલને કારણે એકાઉન્ટ બંધ થવાનો વારો આવી શકે છે. તાજેતરમાં જ વોટ્સએપે યૂઝર્સ વિરુદ્ધ કાર્યવાહી કરીને લગભગ 71 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આવું કેમ થયું, તો ચાલો તમને જણાવીએ તેની પાછળનું કારણ….
એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે વોટ્સએપે નવેમ્બર મહિનામાં લગભગ 71 લાખ એકાઉન્ટને પ્રતિબંધિત કરી દીધા છે. વાસ્તવમાં આ ખાતાઓએ IT નિયમો 2021નું ઉલ્લંઘન કર્યું હતું. કંપનીએ તેમના રિપોર્ટમાં જણાવ્યુ કે આવા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અને 1 થી 30 નવેમ્બરની વચ્ચે કંપનીએ 71,96,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં 19,54,000 ખાતાઓને તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. વોટ્સએપે તેના માસિક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે.
ભારતમાં WhatsAppના 500 મિલિયન યુઝર્સ છે. ઉપરાંત કંપનીને દેશમાં 8,841 ફરિયાદો મળી છે. ‘એકાઉન્ટ એક્શન’ના નામે જાહેર થયેલા રિપોર્ટને જોતા સ્પષ્ટ થાય છે કે વોટ્સએપે આ એકાઉન્ટ્સ પર તાત્કાલિક પગલાં લીધા છે. આમાં, અગાઉ પ્રતિબંધિત ખાતાઓને પુનઃસ્થાપિત કરવાની માહિતી પણ આપવામાં આવી છે. આ યુઝર સેફ્ટી રિપોર્ટમાં મળેલી ફરિયાદોની તમામ માહિતી રેકોર્ડ કરવામાં આવી છે.
ભારતીય સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને સશક્ત બનાવવા માટે ભારત સરકારે તાજેતરમાં એક નવું ફરિયાદ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. જેમાં કન્ટેન્ટ તથા અન્ય ફરિયાદો દાખલ કરી શકાશે. દેશના ડિજિટલ કાયદાઓને મજબૂત કરવા માટે તાજેતરમાં ગઠન કરાયેલી પેનલએ ઘણા પગલાં લીધા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લઈને સતત નવા પગલા લેવામાં આવી રહ્યા છે.