અયોધ્યામાં પ્રસંગ હોય અને સુરત પાછળ પડે એવુ બને જ નહિ. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઇને સુરત કપડા બજારમાં ઉત્સાહનો માહોલ છે. ટેક્સટાઇલ હબ સુરતમાં માતા સીતા માટે સુંદર સાડી તૈયાર કરાઇ છે. કાપડ માર્કેટના ટેક્સટાઈલ યુવા બ્રિગેડ સંગઠન દ્વારા સુરતથી દેશના રામ મંદિરોમાં વિનામૂલ્ય માતા સીતા માટે ભગવાન રામની છબિ સાથેના રામ મંદિરની ડિઝાઈનવાળી સાડી મોકલવામાં આવશે. આ સાડીને ખાસ અયોધ્યા અને જનકપુર પણ મોકલવામાં આવશે.
મહત્વનું છે કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનાં ઐતિહાસિક દિવસને વધાવવા સુરતના કાપડનાં વેપારીઓ જુદા જુદા કાર્યક્રમો કરી રહ્યા છે. ત્યારે વાત કરીએ આ અનોખી સાડીની તો ડિજિટલ પ્રિન્ટિંગથી તૈયાર કરેલી સાડા છ મીટરની સાડીમાં અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરનું સુંદર દ્રશ્ય પ્રિન્ટ કરવામાં આવ્યુ છે. કાપડના વેપારી ઓનું કહેવુ છે કે અમે કપડાના વેપારી હોવાથી માતા જાનકીને રામ મંદિરની તસવીરવાળી સાડી અર્પણ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સુરતની સાડી જગવિખ્યાત છે. તો આ તરફ સુરત ડાયમંડ સીટીની સાથો સાથ સિલ્ક સિટી તરીકે પણ ઓળખાય છે. ત્યારે સુરતના એક વેપારીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ માતા સીતા માટે ભગવાન રામની છબિ સાથેના રામમંદિરની ડિઝાઈનવાળી અતિસુંદર સાડી બનાવી છે. જે અયોધ્યા અને જનકપુરની સાથે દેશના જે રામમંદિરમાંથી ડિમાન્ડ હશે ત્યાં મોકલવામાં આવશે.