અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાના અભિષેક પહેલા રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસના નેતાઓએ આ સમારોહનું આમંત્રણ ઠુકરાવી દીધા બાદ નેતાઓની નિવેદનબાજી વધુ તેજ બની છે. આ ક્રમમાં બિહારના બેગુસરાયના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમના સિવાય રવિશંકર પ્રસાદે પણ કોંગ્રેસને ઘેરી લીધી છે.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કોંગ્રેસ પાર્ટીને સીઝનલ હિંદુ ગણાવતા કોંગ્રેસ પાર્ટી પર શાબ્દિક હુમલો કર્યો અને તેને સનાતન વિરોધી ગણાવી હતી. ગિરિરાજ સિંહે કહ્યું કે કોંગ્રેસ હિંદુ વિરોધી છે અને થોડા સમયમાં કોંગ્રેસ આપોઆપ ખતમ થઈ જશે.વધુમાં ગિરિરાજ સિંહે કહ્યુ કે જ્યારે તેમને લાગે છે કે મતની જરૂર છે. ત્યારે આ લોકો સોફ્ટ હિંદુ બનવાની કોશિશ કરે છે. તેમણે કહ્યું કે જવાહરલાલ નેહરુથી લઇ હમણાં સુધીના કોઇ કોંગ્રેસી અયોધ્યા નથી ગયું. કોંગ્રેસ પાર્ટીએ જ રામમંદિરના મુદ્દાને કોર્ટમાં અટકાવવાનું કામ કર્યું હતું, તેથી હવે તેમની પાસે અયોધ્યા જવાની નૈતિક તાકાત નથી.
તો આ તરફ બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે પણ રામ મંદિર ‘પ્રાણ પ્રતિષ્ઠા’ માટેના આમંત્રણને નકારવા બદલ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.તેમણે કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ, પીડાદાયક અને શરમજનક છે. કોંગ્રેસે હંમેશા રામજન્મભૂમિનો વિરોધ કર્યો હતો.કોંગ્રેસ પાર્ટીએ દેશ પર શાસન કર્યું હતું. છતાં આજે તે ક્યાં સીમિત થઈ ગઈ છે.