ભગવાન રામની નગરી અયોધ્યામાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ યોજાવા જઇ રહ્યો છે. ત્યારે અયોધ્યા નગરીને સુરક્ષાથી સજ્જ કરાઇ છે. એક પક્ષ પણ સુરક્ષા વ્યવસ્થાની નજર બહાર પાંખના ફેલાવી શકે તેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરક્ષાને લઇને કેન્દ્ર અને રાજ્ય સરકાર ખૂબ જ સંવેદનશીલ છે.ત્યારે રામ લલાના ધામની સુરક્ષાને અભેદ્ય બનાવવા માટે જળ, જમીન અને નભમાં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
મેન્યુઅલ એજન્સીઓને ખડેપગે રાખવાની સાથે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ધામમાં ATS, STF, PAC, UPSSF સહિત યુપી પોલીસના ભારેખમ દળ તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે AI, એન્ટી-ડ્રોન, CCTV કેમેરા તો બાજ નજર રાખશે જ, સરયૂ નદી અને ઘાટ પર NDRFની ટુકડી તૈનાત કરવામાં આવી છે. અયોધ્યામાં મહેમાનોની સુરક્ષા માટે બાર કોડિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
અયોધ્યાના IG પ્રવીણ કુમારે કહ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર રામ મંદિરના અભિષેક કાર્યક્રમને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. ધામની સુરક્ષાને લઈને તેને રેડ અને યલો એમ બે ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. કેન્દ્રીય એજન્સીમાં CRPF, NDRFને પણ તૈનાત કરવામાં આવ્યા છે. ઈન્ટેલિજન્સ બ્યુરો અને RAWનો પણ સહયોગ લેવામાં આવી રહ્યો છે. ધામમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 100થી વધુ ડીએસપી, લગભગ 325 ઈન્સ્પેક્ટર અને 800 સબ ઈન્સ્પેક્ટર તૈનાત કરવામાં આવ્યા છે.
તો આ તરફ મુખ્ય કાર્યક્રમ પહેલા 11,000 પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવશે. VIP સુરક્ષા માટે ત્રણ ડીઆઈજી, 17 એસપી, 40 એએસપી, 82 ડીએસપી, 90 ઈન્સ્પેક્ટરની સાથે 1,000 થી વધુ કોન્સ્ટેબલ અને 4 કંપની પીએસી તૈનાત કરવામાં આવ્યા છે. આઈજીએ કહ્યું કે કાર્યક્રમને ધ્યાનમાં રાખીને વધુ ફોર્સ વધારવામાં આવી રહી છે. કોઈપણ પરિસ્થિતિમાં ભૂલને અવકાશ ન રહે તે સુનિશ્ચિત કરવા પર પણ ફોકસ કરવામાં આવી રહ્યું છે. જેથી સુરક્ષા કાર્ય સાથે સંકળાયેલી તમામ એજન્સીઓ વચ્ચે વધુ સારો સંકલન થાય. રેલવેની ચુસ્ત સુરક્ષા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓને પ્રવાસન સ્થળોની માહિતી આપવા માટે 250 પોલીસ ગાઈડ તૈનાત કરવામાં આવ્યા છે. ડિજિટલ ટૂરિસ્ટ એપ 14 જાન્યુઆરીએ લોન્ચ થશે.
એન્ટી ડ્રોન સિસ્ટમ સંપૂર્ણ રીતે સક્રિય સ્થિતિમાં છે. અયોધ્યાના અતિસંવેદનશીલ રેડ અને યલો ઝોનને એન્ટી ડ્રોન સિસ્ટમ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યા છે. આ સિસ્ટમ દ્વારા 5 કિલોમીટરની ત્રિજ્યામાં ઉડતા કોઈપણ ડ્રોનને શોધી શકાય છે. ઈઝરાયેલની એક કંપની દ્વારા નિર્મિત આ એન્ટી ડ્રોન સિસ્ટમ વિશ્વની સૌથી આધુનિક ટેકનોલોજી છે. તેના દ્વારા કોઈપણ ડ્રોનને નિષ્ક્રિય કરી શકાય છે. સમગ્ર ધામને 12 એન્ટી ડ્રોન સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યું છે. તેના દ્વારા જળ, જમીન અને આકાશમાં ચાલતી તમામ ગતિવિધિઓ જોઈ શકાય છે.